કેવી રીતે ભણશે ગુજરાત:વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ માટે AC ઓફિસ ને પંખો બગડ્યો હોવાથી નંદઘરના બાળકો 42 ડિગ્રી ગરમીમાં શેકાય છે
કેવી રીતે ભણશે ગુજરાત:વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ માટે AC ઓફિસ ને પંખો બગડ્યો હોવાથી નંદઘરના બાળકો 42 ડિગ્રી ગરમીમાં શેકાય છે
વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ AC ઓફિસમાં બેસીને કામ કરે છે, ત્યારે ન્યુ વીઆઇપી રોડ રાજીવનગરના નંદઘરમાં 42 ડિગ્રી ગરમીમાં 20 બાળકો ફેબ્રિકેટેડ કેબિનમાં પંખા વિના ભણી રહ્યા છે. ઝાડી ઝાખરા અને અસહ્ય ગંદકી વચ્ચે કાર્યરત આ નંદઘરનો પંખો છેલ્લા એક અઠવાડિયાથી બંધ હોવાના કારણે નાજુક બાળકો ગરમીમાં શેકાઇ રહ્યા છે. નંદઘરના સંચાલિકાએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી પંખો બંધ છે. ટોઇલેટ અને બાથરૂમ પણ 4 મહિનાથી બંધ છે. આ બાબતે અમે અરજી કરી છે. આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલે જણાવ્યું કે, એક સપ્તાહ પહેલાં તમામ વોર્ડ ઓફિસોને નંદઘરો અને તેની આસપાસની ગંદકી સાફ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ ન્યુ વીઆઇપી રોડ સ્થિત રાજીવ નગરનું નંદઘર દયનીય પરિસ્થિતિમાં છે. આ નંદઘરમાં 20 ભૂલકાઓ અભ્યાસ કરે છે. છેલ્લા સપ્તાહથી આગ ઓકતી ગરમી સૂર્યનારાયણ વરસાવી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે કેબિનમાં કાર્યરત આ નંદઘરમાં છેલ્લા એક અઠવાડિયાથી પંખા બંધ છે. ચાર મહિનાથી ટોઇલેટ-બાથરૂમની સુવિધા બંધ છે. પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. 42 ડિગ્રી ગરમીમાં બાળકો સવારે 9થી 12નો સમય પસાર કરવો મુશ્કેલ થઇ ગયો છે. બાળકો સાથે સ્ટાફને પણ અસહ્ય ગરમીમાં બાળકોને શ્રેષ્ઠ બાળક બનાવવાનો વખત આવ્યો છે.
શાસકોના પેટનું પાણી હલતું નથી
કોર્પોરેશનના અધિકારીઓ AC ચેમ્બરોમાં બેસી વહિવટ કરતાં અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આગણવાડી (નંદઘર) માં જતાં બાળકોને અસહ્ય ગંદકી અને પંખા સહિતની અસુવિધા વચ્ચે પ્રાથમિક જ્ઞાન મેળવવાનો વખત આવ્યો છે. નંદઘર ચલાવતા સંચાલકો દ્વારા સંબંધિત વિભાગમાં જાણ કરવા છતાં, રાજીવ નગરના નંદઘર અંગે ધ્યાન આપવામાં આવ્યું નથી. એતો ઠીક સ્થાનિક કોર્પોરેટરોએ પણ આ નંદઘરની મુલાકાત લીધા બાદ પણ પરિસ્થિતિમાં સુધારો થયો નથી. નંદઘરની આસપાસ ઝાડી ખાખરા ઉગી નીકળતાં સફાઈનો અભાવ પણ જોવા મળ્યો છે. સંચાલિકા દ્વારા અગાઉ ત્રણ વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, શાસકોના પેટનું પાણી હલતું નથી. આ સ્થિતિ માત્ર રાજીવનગરના નંઘરની નથી. વડોદરા શહેરના નાગરવાડા, ભુતડીઝાપા સહિતના સ્થળોએ નંદઘરની આસપાસ દબાણનો જમાવડો તથા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.
વોર્ડ ઓફિસને સૂચના આપવામાં આવશેઃ આરોગ્ય અધિકારી કોર્પોરેશનના ICDS પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા નંદઘર (આંગણવાડી) ના અધિકારી ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં 439 નંદઘર કાર્યરત છે. એક સપ્તાહ પહેલાં નંદઘરોની સાફસફાઈ અંગે ફરિયાદો મળી હતી. તુરંત જ જે-તે વોર્ડ ઓફિસના જવાબદાર વિભાગના જવાબદાર અધિકારીઓને નંદઘરોની સાફસફાઈ માટે સૂચના આપી દેવામાં આવી હતી. હજુ પણ કોઇ આંગણવાડીમાં સાફસફાઈનો અભાવ અથવા અન્ય કોઇ સુવિધાનો અભાવ હશે તો જે-તે વોર્ડ ઓફિસને સૂચના આપવામાં આવશે.


0 Response to "કેવી રીતે ભણશે ગુજરાત:વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ માટે AC ઓફિસ ને પંખો બગડ્યો હોવાથી નંદઘરના બાળકો 42 ડિગ્રી ગરમીમાં શેકાય છે"
ટિપ્પણી પોસ્ટ કરો