'હરિભક્તો એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરે'
'હરિભક્તો એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરે'
વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ જય સ્વામિનારાયણ બોલી સંબોધન શરૂ કર્યું હતું અને યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યાં સમસ્યા હોય ત્યાં ભારત સમાધાન લઇને સામે આવ્યું છે, કોરોના કાળમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારત આજે દુનિયાની નવી આશા બન્યું છે. ભારત ભવિષ્ય માટે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. સ્ટાર્ટ અપમાં ભારતનું કદ વધ્યું, ભારતનું વિશ્વનું ત્રીજુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે, જેનું નેતૃત્વ યુવાનો કરે છે. આ ઉપરાંત એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરવાની હરિભક્તોને PM મોદીએ અપીલ કરી હતી.
PM મોદીએ જણાવ્યું હતું કે, યુવાનો તા.15 ઓગસ્ટ, 2023 સુધીમાં ઓછામાં ઓછાં 75 કલાક દેશની સેવા માટે ફાળવવાનો નિર્ધાર કરે. તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાનને આગળ વધારવું, પાણી અને વીજળી બચાવવા, લોકોને જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેતા કરવા, પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ ઊભું કરવું, આ બધાં નાના નાના કામો એ પણ ખૂબ મોટી દેશ સેવા છે. આપણા સંતો અને શાસ્ત્રોએ આપણને શિખવ્યું છે કે, સમાજની પ્રત્યેક પેઢીના ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે, વડોદરા ખાતે યોજાયેલી આ સંસ્કાર અભ્યુદય શિબિર એ યુવાઓના અભ્યુદયની સાથે સમાજના અભ્યુદયનું પણ પવિત્ર અભિયાન છે. આ પ્રયાસ છે, આપણી પહેચાન અને ગૌરવના અભ્યુદયનો, આપણા રાષ્ટ્રના અભ્યુદયનો છે.
નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ
આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે તેવા સમયે આ અભ્યુદય યુવા શિબીરનું આયોજન કરાયું છે, તેમ જણાવી વડાપ્રધાને કહ્યું હતુ કે, આજે આપણે સામૂહિક સંકલ્પ લઈ રહ્યા છીએ, નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. એક નવું ભારત, જેની ઓળખ નવી, દૂરંદેશી અને પરંપરાઓ પ્રાચીન છે. આજનું નવું ભારત, એ નવી વિચારસરણી અને વર્ષો જૂની સંસ્કૃતિ બંનેને સાથે લઈને આગળ વધી રહયું છે.
ગુજરાતના પ્રાકૃતિક ખેતીના મહા અભિયાનને બિરદાવ્યું
વડાપ્રધાને ગુજરાતમાં આરંભાયેલા પ્રાકૃતિક ખેતીના મહા અભિયાનને બિરદાવતા જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જમીનને સુધારવાની અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાની તાકાત છે. હું ઈચ્છું છું કે, આ શિબિરમાં જોડાયેલા યુવાનો આઝાદીના અમૃત પર્વે પોતાની ખેતીને પ્રાકૃતિક ખેતીમાં ફેરવવાનો સંકલ્પ કરે. તેમણે સહજ જીવનમાં સમાજનું ભલું કરવાની ભાવનાનો સમન્વય કરવા જણાવ્યું હતુ.
આપણી સંસ્કૃતિ મંદિરો બચાવવા રાજકીય પીઠબળ જોઇશેઃ સ્વામી જ્ઞાનજીવન દાસ
સ્વામી જ્ઞાનજીવન દાસે જણાવ્યું હતું કે, યુવાનો આ દેશની નિષ્ઠા રાખી, સાચા સંનિષ્ઠ કાર્યકર બની આપણે આપણુ નિર્માણ કરીએ શકીએ છીએ. હવે જો આપણે ઢીલા કે બુદ્ધુ રહીશું તો આપણા ઉપર કેટલાક તત્વો હાવી થઇ જવા તૈયાર છે. આપણે આપણા આવા સારા રાજકીય નેતાઓને ખભે ખભો મિલાનીને ભારત દેશના વિકાસમાં ભક્તિ કરતા કરતા જોડાવુ પડે એવો કાળ છે. મારું આપ સૌ યુવાનોને સૂચન છે કે, તમે બધા પણ થોડા દિવસ કદાચ માળા નહીં કરો, પણ દેશનીઉન્નતિના કાર્યમાં જોડાઇને સારા માણસોને સાથ આપી તમારી શક્તિ, બુદ્ધી અને સંપતિનો ઉપયોગ કરશો તો આપણે પાછા આગામી અનેક વર્ષો નિર્વિધ્ન આનંદથી ભક્તિ કરી શકીશું. આપણી સંસ્કૃતિ બચાવવા હોય, આપણા મંદિરો બચાવવા હોય, આપણી આધ્યાત્મિક ધરોહર બચાવવી હોય તો સારુ રાજકીય પીઠબળ જોઇશે અને એ યુવાનો દ્વારા જ પુરું પાડી શકાશે.
મોદીના વિકાસના સૂત્રો કાશી, અયોધ્યા, મથુરામાં સાર્થક થયા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માટે સર્વ યુવાનો ભગવત ભક્તિ કરતા કરતા દેશભક્તિ કરવાની પણ મારી પ્રેરણા છે. જે જે સુઝાવો આપણી સરકાર આપણા કલ્યાણ માટે, દેશની ઉન્નતિના માટે આપી રહ્યા છે, એને આપણે અનુરસીએ. સાથ દઇએ. સબ સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ. નરેન્દ્રભાઇના આ સૂત્રો કાશી, અયોધ્યા, મથુરા, જ્ઞાનવાપીમાં આજે સાર્થક થઇ રહ્યા છે. આપણે સમજીએ છીએ. આપણી એકતા વિના આપણે સુખી રહી શકવાના નથી અને આવા સાચા રાજકીય પુરૂષોના સહકાર વિના અને બળ વિના આપણે સુરક્ષિત ન રહી શકીએ. માટે સબ કા સાથ સબકા વિકાસની ભાવનામાં આપણે જોડાઇ જઇએ. માટે ભગવત ભક્તિ સાથે દેશ ભક્તિમાં જોડાઇ જઇએ.

0 Response to "'હરિભક્તો એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરે'"
ટિપ્પણી પોસ્ટ કરો