સુરતમાં અડાજણની સંસ્કાર સરિતા બાલભવન અને સંસ્કાર સરિતા વિદ્યાભવન પ્રાથમિક શાળાઓની માન્યતા રદ
સુરતમાં અડાજણની સંસ્કાર સરિતા બાલભવન અને સંસ્કાર સરિતા વિદ્યાભવન પ્રાથમિક શાળાઓની માન્યતા રદ
- ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા શૈક્ષણિક વર્ષ-2022-23થી રદ
સુરત શહેરના અડાજણ, પાલનપોર ખાતે આવેલી સંસ્કાર સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સરિતા બાલભવન(ગુજરાતી માધ્યમ ધો.1થી 5) અને શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાભવન(ગુજરાતી માધ્યમ ધો.6થી 8)ની ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા નિયામક, પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ-2022-23થી રદ કરવામાં આવી છે. જેથી વાલીઓએ આગામી સત્રથી આ બે શાળાઓમાં પ્રવેશ ન લેવા તથા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ એલ.સી. કઢાવી અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવી લેવો. જો કોઈ વિદ્યાર્થી આગામી સત્રમાં પ્રવેશ મેળવશે અને કોઈ સમસ્યા ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વાલી-વિદ્યાર્થીની રહેશે એમ સુરત જિલ્લા શિક્ષણધિકારી દ્વારા જણાવાયું છે.
31 મે 2022ના રોજથી રદ કરવાનો હુકમ
સુરતના અડાજણ વિસ્તારમાં ભુમિ કોમ્પ્લેક્ષ નજીક આવેલી શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળાના મકાનનો ભાડા કરાર, રમત ગમતના મેદાનની સુવિધાનો અભાવ તથા સંચાલક મંડળના ઠરાવ અને બેંક એકાઉન્ટની માહિતીમાં ગેરરીતીને પગલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વર્ષ 2021-22નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ એટલે કે આગામી તા. 31 મે 2022ના રોજથી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
માન્યતા અંગેની શરતોનો ભંગ કરવામાં આવ્યો
રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ. જોષી દ્વારા કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે સંસ્કાર સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત સંસ્કાર સરિતા બાળભવન ધો. 1થી 5 અને શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલય ધો. 6થી 8ની ખાનગી શાળાના સંચાલકો દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન 2012 ઇન રુલ્સ 14 હેઠળ માન્યતા આપવામાં આવી હતી. પરંતુ માન્યતા અંગેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. ઉપરાંત શાળાના મકાનનો ભાડા કરાર રદ કરવામાં આવ્યો હોવા છતા નવો ભાડા કરાર રજૂ કરવામાં આવ્યો નથી, શાળા પાસે રમત ગમતના મેદાનની સુવિધાનો અભાવ, પી.ટી. આરની અદ્યતન નકલ રજૂ કરવામાં આવી નથી, સંચાલક મંડળના ઠરાવ બુક અને બેંક એકાઉન્ટની માહિતી અના આધારો બોગસ રજૂ કર્યા હતા. સંચાલક મંડળન પ્રમુખ માટે ચાલી રહેલા વિવાદ અંતર્ગત પરેશ હિમ્મત પટેલે શાળા બંધ કરવાનું લેખિતમાં જણાવ્યું હતું. જ્યારે ટ્રસ્ટી હર્ષદ નાનુ લશ્કરીએ ટ્રસ્ટમાં ફેરફાર અંગેનો ઠરાવ પણ રજૂ કરી શક્યા ન હતા.
0 Response to "સુરતમાં અડાજણની સંસ્કાર સરિતા બાલભવન અને સંસ્કાર સરિતા વિદ્યાભવન પ્રાથમિક શાળાઓની માન્યતા રદ"
ટિપ્પણી પોસ્ટ કરો