વડોદરામાં ડોક્ટર બેંકરની હોસ્પિટલ અને નિવાસસ્થાને ઇન્કમટેક્સની રેડ, બિનહિસાબી રૂપિયા 1.90 કરોડ રોકડ મળી
વડોદરામાં ડોક્ટર બેંકરની હોસ્પિટલ અને નિવાસસ્થાને ઇન્કમટેક્સની રેડ, બિનહિસાબી રૂપિયા 1.90 કરોડ રોકડ મળી
વડોદરામાં કોરોનાની મહામારી દરમિયાન હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ તેમજ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર્સની જુના પાદરા રોડ સહિત હોસ્પિટલો અને તેઓના નિવાસસ્થાને છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દરોડાની કાર્યવાહી કરી રહ્યા છે. દરોડાની કામગીરી દરમિયાન આવકવેરા વિભાગને ડોક્ટરના નીકટના કર્મચારી પાસેથી બિનહિસાબી રૂપિયા 1.90 કરોડ રોકડ મળી હોવાનું જાણવા મળ્યું છે.
બેંક લોકરો ખોલાયા બાદ સોનુ મળવાની શક્યતા
આવકવેરા વિભાગના સુત્રોમાંથી એવી પણ માહિતી મળી છે કે, છેલ્લા ત્રણ દિવસથી જુના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ ઉપરાંત તેની વારસીયા રીંગ રોડ અને માંજલપુર ખાતે આવેલી હોસ્પિટલો તેમજ હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા નિવાસ સ્થાન ખાતે સર્ચ-દરોડોની કામગીરી ચાલી રહી છે. દરોડાની કામગીરી દરમિયાન બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. લોકરો ખૂલ્યા બાદ દરોડા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બેંક લોકરો ખોલાયા બાદ મોટા પાયે સોનુ તેમજ રોકડ મળવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવે તેવી શક્યતા
આ ઉપરાંત આવકવેરા વિભાગને સર્ચ-દરોડા દરમિયાન જમીનોની વિગતો મળી આવી હતી. આવકવેરા વિભાગે જમીન ખરીદીને લગતા કેટલાંક દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ-દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. દરોડાની કામગીરીના અંતે કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવે તેવી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
નિવાસ સ્થાનેથી આઇટીની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા
નોંધનીય છે કે, શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને આવકવેરા વિભાગના 50 જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આવકવેરા વિભાગે પ્રથમ દિવસે જ હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા. તેમજ આવકવેરા વિભાગની ટીમ દ્વારા કમ્પ્યુટર, લેપટોપ પણ સીઝ કર્યા હતા અને તેની તપાસ કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી મળી છે કે, ડો. દર્શન બેંકરના નિવાસ સ્થાનેથી પણ આઇટીની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી બાદ કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

0 Response to "વડોદરામાં ડોક્ટર બેંકરની હોસ્પિટલ અને નિવાસસ્થાને ઇન્કમટેક્સની રેડ, બિનહિસાબી રૂપિયા 1.90 કરોડ રોકડ મળી"
ટિપ્પણી પોસ્ટ કરો