શુભ સંયોગ 9 જૂને ગંગા દશેરા અને વેદમાતા ગાયત્રીનો પ્રાકટ્ય દિવસ, 10 જૂને નિર્જળા એકાદશી; રવિવારે પ્રદોષ વ્રત કરવામાં આવશે
શુભ સંયોગ 9 જૂને ગંગા દશેરા અને વેદમાતા ગાયત્રીનો પ્રાકટ્ય દિવસ, 10 જૂને નિર્જળા એકાદશી; રવિવારે પ્રદોષ વ્રત કરવામાં આવશે
જેઠ મહિનાના સુદ પક્ષની બારસ તિથિ એટલે 9 જૂનથી 12 જૂન સુધી માંગલિક કાર્ય, ધાર્મિક અનુષ્ઠાન, છોડ વાવવા, દેવ પ્રાણ પ્રતિષ્ઠાથી લઇને ખરીદી માટે મંગળકારી રહેશે. 9 જૂન માતા ગંગાના અવતરણનો દિવસ છે. સાથે જ વેદ માતા ગાયત્રીનો પ્રાકટ્ય ઉત્સવ પણ ઉજવાશે. 10 જૂનના રોજ મોક્ષદાયિની નિર્જળા એકાદશી પર્વ રહેશે. તેના પછીના દિવસે એટલે રવિવારે જેઠ મહિનાના પ્રદોષ વ્રતનો સંયોગ બની રહ્યો છે. ગંગા દશેરા સ્વયં સિદ્ધ વણજોયું મુહૂર્ત છે. આ દિવસે હસ્ત નક્ષત્રના કારણે ચંદ્ર કન્યા રાશિમાં હશે અને સૂર્ય વૃષભ રાશિમાં બુધ સાથે બુધાદિત્ય શુભ યોગ બનાવશે. જેથી આ દિવસની શુભતામાં બેગણો વધારો થશે. આ ત્રણેય પર્વમાં કરવામાં આવતા તીર્થ સ્નાન, વ્રત અને પૂજાથી દરેક પ્રકારના રોગ અને દોષ દૂર થાય છે.
ગંગા દશેરાઃ 9 જૂન, ગુરુવાર
આ વ્રતથી ઋષિઓએ બોધપાઠ આપ્યો છે કે ગંગા નદીની પૂજા કરવી જોઈએ અને જળના મહત્ત્વને સમજવું જોઈએ. થોડા ગ્રંથોમાં ગંગા નદીને જયેષ્ઠ પણ કહેવામાં આવે છે. કેમ કે તે પોતાના ગુણોના કારણે અન્ય નદીઓ કરતા વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલે તેને જયેષ્ઠ એટલે બીજી નદીઓથી મોટી માનવામાં આવે છે.
ભૌગોલિક દૃષ્ટિએ જોવામાં આવે તો સિંધુ અને બ્રહ્મપુત્ર નદી ગંગા કરતા મોટી છે. પરંતુ વૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે ગંગાનું પાણી ગુણોથી ભરપૂર છે અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ હોવાથી ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવે છે. આ પર્વમાં ગંગા નદીની પૂજા પછી અન્ય 7 પવિત્ર નદીઓની પણ પૂજા કરવામાં આવે છે.
નિર્જળા એકાદશીઃ 10 જૂન, શુક્રવાર
ગંગા દશેરાના બીજા દિવસે જ નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં આખો દિવસ પાણી પીધા વિના રહેવાનું હોય છે. કથા પ્રમાણે મહાભારત કાળમાં સૌથી પહેલાં ભીમે આ વ્રત કર્યું હતું. એટલે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.
આ વ્રતમાં સવારે જલ્દી સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજામાં જળદાનનો સંકલ્પ લે છે. વ્રત કરનાર લોકો આખો દિવસ જળ પીધા વિના અને માટીના ઘડામાં પાણી ભરીને તેનું દાન કરે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવામાં આવે છે. આ વ્રતથી પાણીનું મહત્ત્વ જાણવા મળે છે.
ગાયત્રી પ્રાકટ્ય પર્વઃ 10 જૂન, શુક્રવાર
માતા ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. તેના દ્વારા જ બધા વેદની ઉત્પત્તિ થાય છે. એટલે તેને વેદ માતા કહેવામાં આવે છે. જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિને માતા ગાયત્રીનો અવતરણ દિવસ માનવામાં આવે છે. આ વખતે ગાયત્રી જયંતી 10 જૂન, શુક્રવારના રોજ છે. વેદમાતા ગાયત્રીની ઉપાસનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન અને બ્રહ્મવર્ચસ ફળ મળે છે. માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે. આ પંચતત્વોના પ્રતીક છે. જેનો અર્થ એવો થાય છે કે સંસારના બધા જીવોમાં પ્રાણ શક્તિ તરીકે માતા ગાયત્રી હાજર છે. એટલે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દરરોજ માતા ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ.
રવિ પ્રદોષ વ્રતઃ 12 જૂન, રવિવાર
રવિવારના રોજ તેરસ તિથિ હોવાથી રવિ પ્રદોષ યોગ 12 જૂનના રોજ બનશે. જેઠ મહિનો હોવાથી આ વ્રતનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવશે. જેના પ્રભાવથી લગ્નજીવનમાં સુખ વધે છે. રવિ પ્રદોષના યોગમાં શિવ-પાર્વતી પૂજા કરવાથી રોગ, શોક અને દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. આ તિથિએ શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું વિધાન છે.


0 Response to "શુભ સંયોગ 9 જૂને ગંગા દશેરા અને વેદમાતા ગાયત્રીનો પ્રાકટ્ય દિવસ, 10 જૂને નિર્જળા એકાદશી; રવિવારે પ્રદોષ વ્રત કરવામાં આવશે"
ટિપ્પણી પોસ્ટ કરો