-->
'જુરાસિક પાર્ક’ને ભૂલી જાઓ, ડાઇનોસોરનો શિકાર કરીને પેટ ભરતાં પ્રાણીઓ મળી આવ્યાં! ભલભલા ડાઇનોસોર એનાથી ડરીને ભાગી છૂટતા

'જુરાસિક પાર્ક’ને ભૂલી જાઓ, ડાઇનોસોરનો શિકાર કરીને પેટ ભરતાં પ્રાણીઓ મળી આવ્યાં! ભલભલા ડાઇનોસોર એનાથી ડરીને ભાગી છૂટતા

 

'જુરાસિક પાર્ક’ને ભૂલી જાઓ, ડાઇનોસોરનો શિકાર કરીને પેટ ભરતાં પ્રાણીઓ મળી આવ્યાં! ભલભલા ડાઇનોસોર એનાથી ડરીને ભાગી છૂટતા











‘જુરાસિક પાર્ક’ સિરીઝની નવી ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ ડોમિનિયન’ વિશ્વભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. મસમોટી ઇમારતોની સાઇઝનાં અને જેમની ત્રાડથી ચારેય દિશાઓ ધ્રુજી ઊઠે, જેમના પગરવથી ધરતીકંપ સર્જાય તેવાં વિકરાળ ડાયનોસોર નામનાં પ્રાણીઓ આજથી લાખો વર્ષો પહેલાં આપણી જ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતાં હતાં. પૃથ્વીના ઇતિહાસનું સૌથી ખૂંખાર પ્રાણી (અફ કોર્સ, માણસને બાદ કરતાં!) આજે પણ લોકોને રોમાંચિત કરી મૂકે છે. પરંતુ હવે એ રોમાંચમાં અનેકગણો વધારો કરી દે તેવા ન્યૂઝ આવ્યા છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ પૃથ્વી પર ડાયનોસોરનો પણ શિકાર કરતાં પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતાં હતાં. યસ્સ, તમે સાચું જ વાંચ્યું છે. જેના આગમનથી ભલભલા ડાયનોસોર પણ પોતાની હડિમદસ્તા જેવી પૂંછળી પૂંઠમાં દબાવીને હડી કાઢતા, એવા પ્રાણીઓના નક્કર અવશેષો મળ્યા છે. એટલું જ નહીં, એમનાં હાડપિંજરોનાં ‘પેટ’માંથી ડાયનોસોરનાં હાડકાં પણ મળી આવ્યાં છે!


કોણ છે આ જીવ અને કેવું દેખાતું હતું?

આ સુપરવિલન જેવા પ્રાણીનું નામ છે ‘રેપેનોમામસ’  તેમની ફેવરિટ ‘ડિશ’ હતા ડાયનોસોર. પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ જોઇએ તો આ રેપેનોમામસ 12થી 13 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતાં હતાં. અત્યાર ઉત્તર-પૂર્વ ચીનના સમૃદ્ધ વિસ્તારમાં એક સમયે આ પ્રાણીઓનાં ધાડેધાડાં જોવા મળતાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રાણી યાને કે રેપેનોમામસનું કદ માંડ ત્રણથી ચાર ફૂટ જેટલું જ હતું. તે સમયે અસ્તિત્વ ધરાવતાં પાંખોવાળાં અનેક ડાયનોસોર કરતાં તે મોટી સાઇઝનું હતું. ‘છોટા પેકેટ બડા ધમાકા’ની સ્ટાઇલમાં આ પ્રાણી નાની સાઇઝના ડાયનોસોરને પોતાનો કોળિયો બનાવી લેતાં હતાં. એટલું જ નહીં, મોટા ડાયનોસોરનાં બચ્ચાં પણ જો તેની નજરે આવી જાય, તો તેને ઓહિયા કરી જવામાં તે વાર નહોતું લગાડતું. ડાયનોસોર અત્યારની ગરોળી કે મગરમચ્છની જેમ સરિસૃપ વર્ગનું પ્રાણી હતું. જ્યારે આ ‘ડાયનોસોર-ખાઉ’ રેપેનોમામસ સસ્તન વર્ગનું પ્રાણી હતું. યાને કે તે ઇંડાં મૂકવાને બદલે બચ્ચાંને જન્મ આપતું.


આ જીવના અસ્તિત્વ વિશે ક્યારે જાણ થઇ?

ડાયનોસોર જેવાં લાખો વર્ષો પહેલાં લુપ્ત થઈ ચૂકેલાં પ્રાણીઓનાં અશ્મિઓનો અભ્યાસ કરતા સંશોધકોને ‘પેલિએન્ટોલોજિસ્ટ’ કહે છે. આવા જ એક સંશોધક નામે યોમિંગ હુ 2005ના વર્ષમાં રેપેનોમામસના હાડપિંજરનું એનાલિસિસ કરી રહ્યા હતા. એમના આશ્ચર્ય વચ્ચે તે હાડપિંજરના આંતરડાના ભાગેથી સેરોપ્સિયન ડાયનાસોર પિટ્ટેકોસોરસના અવશેષો મળી આવ્યા. જે રીતે નાના ડાયનાસોરનાં હાડકાં તૂટેલાં હતાં, તેના આધારે સંશોધકો એ તારણ પર આવ્યા કે, રેપેનોમામસ આ ડાયનોસોરને ગળી ગયું હતું ને તેના શરીર અને હાડકાંના ચૂરેચૂરા બોલાવી નાખ્યા હતા









આ પ્રાણી ડાયનોસોરને કેવી રીતે પોતાનો શિકાર બનાવતું?

પેલિએન્ટોલોજિસ્ટ્સ નિકોલસ લોંગરિચ અને માઇકલ રાયે કેટલાક અવશેષોનું દસ્તાવેજીકરણ કર્યું હતું, જેમાં ડાયનાસોરના અંગ અને પાંસળીના ટુકડાઓનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં ડાયનોસરના શરીર પર આ રેપેનોમામસ દ્વારા બનાવવામાં આવેલા ટૂથમાર્ક્સ જોવામાં આવ્યા હતા. આ ટૂથમાર્ક્સ એ વાતની સાબિતી છે કે, આ પ્રાણી ડાયનોસોરનો શિકાર કરતું હતું. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, રેપેનોમામસ એ બેબી ડાયનોસોરને પોતાનો શિકાર બનાવતાં હતાં ને તેનો ભોજન તરીકે ઉપયોગ કરતાં હતાં. જોકે, અમુક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, રેપેનોમામસ મૃત ડાયનોસોરનો ભોજન તરીકે ઉપયોગ કરતાં હતાં.

આ જીવનો અંત ક્યારે થયો?


આ જીવનું અસ્તિત્વ ક્યારે આ પૃથ્વી પરથી ખતમ થઈ ગયું એ અંગે કોઈ સચોટ માહિતી તો નથી, પણ એવું અનુમાન લગાવી શકાય કે, જ્યારે પૃથ્વી પર વિકરાળ ઉલ્કા ત્રાટકી ને ડાયનોસોરના અસ્તિત્વનો અંત આવ્યોસ, ત્યારે તેમની સાથે આ જીવની પ્રજાતિનો પણ અંત આવ્યો. એવું પણ બની શકે કે, પૃથ્વી પરથી ડાયનોસોરનો અંત થતાં તેમનો ખોરાકનો સ્રોત જ છીનવાઈ ગયો ને ખોરાક ન મળતાં તેમની પ્રજાતિ પણ ધીમે-ધીમે લુપ્ત થવા લાગી.


અચાનક શા માટે ચર્ચામાં આવ્યું રેપેનોમામસ?


સ્ટિવ બ્રુસેટ નામના અમેરિકન પેલિએન્ટોલોજિસ્ટે ડાયનોસોર પર એક રસપ્રદ પુસ્તક લખ્યું છે. ગયા અઠવાડિયે જ પ્રકાશિત થયેલા આ પુસ્તકનું નામ છે, ‘ધ રાઇઝ એન્ડ રેઇન ઑફ ધ મેમલ્સઃ અ ન્યૂ હિસ્ટ્રી, ફ્રોમ ધ શૅડો ઑફ ધ ડાયનોસોર્સ ટુ અસ’. ચાર વર્ષ પહેલાં એમણે ‘ધ રાઇઝ એન્ડ ધ ફોલ ઑફ ધ ડાયનોસોર્સ’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. પોતાના નવા પુસ્તકમાં એમણે ડાયનોસોર-ખાઉ રેપેનોમામસ વિશે પણ માંડીને વાત કરી છે. રસપ્રદ વાત એ છે કે આ સ્ટિવ બ્રુસેટ લેટેસ્ટ રિલીઝ ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિયન’ ફિલ્મના પેલિએન્ટોલોજી એડવાઇઝર (‘ડાયનોસોર એક્સપર્ટ’!) પણ છે.




0 Response to "'જુરાસિક પાર્ક’ને ભૂલી જાઓ, ડાઇનોસોરનો શિકાર કરીને પેટ ભરતાં પ્રાણીઓ મળી આવ્યાં! ભલભલા ડાઇનોસોર એનાથી ડરીને ભાગી છૂટતા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel