રાજકોટમાં CR અને નરેશ પટેલ સાથે જોવા મળ્યા, ખોડલધામ ચેરમેને કહ્યું- હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છે કે નહીં
રાજકોટમાં CR અને નરેશ પટેલ સાથે જોવા મળ્યા, ખોડલધામ ચેરમેને કહ્યું- હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છે કે નહીં
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓએ રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર બની રહેલા ભાજપના ‘મિની કમલમ’ કાર્યાલયની સ્થળ વિઝિટ કરી હતી. બાંધકામથી લઇને કાર્યાલયમાં કેવી કેવી વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પાટીલ 5.15 વાગ્યે તેઓ મવડી રોડ પર આવેલા જીથરીયા હનુમાન પાસે ધ જીમ વર્લ્ડના ઓપનિંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આટકોટમાં પાટીદાર સમાજની હોસ્પિટલના ઉદઘાટનમાં આમંત્રણ હોવા છતાં પણ નરેશ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી દૂરી બનાવી હતી. જ્યારે આજે પાટીલ સાથે જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું.
શહેરમા આમંત્રિતોએ પોસ્ટર લગાડ્યા છે
નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જીમના ઉદઘાટનમાં સી.આર. પાટીલ સાહેબ સાથે હું આવ્યો છું. આ જીમમાં તમામ લોકો સારી રીતે ઉપયોગ કરે અને પોતાની તબિયત સાચવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ગઈકાલે પોસ્ટર લાગ્યા હતા તે આમંત્રિતોએ પોસ્ટર લગાડ્યા છે. એનો ભાવ હોય તો પોસ્ટર લગાડે એમાં કોઈ નવીન વાત નથી. આજે તેમના સહભાગી બન્યા છીએ. કોઈ પાર્ટીની નજરથી ન જોવું જોઈએ. આથી તેઓએ બહુ જ સહજતાથી પોસ્ટર માર્યા છે, એવો કોઈ વિચાર નહોતો. હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છે કે નહીં. રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરવા એક અઠવાડિયાનો સમય આપો.
રાજકોટ ભાજપના આગેવાનોને અભિનંદન પાઠવ્યા
સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું દરેક જિલ્લા પર એક કાર્યાલય હોવું જોઇએ તેવી ઝુંબેશ ગૃહમંત્રી અમિતભાઈ શાહે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે ઉપાડી હતી. તેમના સમયમાં 700 જેટલા કાર્યાલયો પૂરા થયા હતા. ગુજરાતમાં પણ આ જ ઝુંબેશને આધિન અલગ અલગ જિલ્લામાં કાર્યાલયનું કામ ચાલુ છે. રાજકોટમાં પણ આ કમલમ માટેની જગ્યા લઈને તેમના બાંધકામનું કામ ભાજપના આગેવાનોએ શરૂ કર્યું છે. જે-તે વખતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના સાથીઓએ પણ આ જગ્યા લઈને આ બાંધકામ શરૂ કર્યું છે.
બે-ત્રણ મહિનામાં કાર્યાલય બની જશે
હવે આ બાંધકામ અંતિમ તબક્કામાં છે અને લગભગ બે-ત્રણ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે. બાંધકામની ક્વોલિટી અને કામની ઝડપ જોતા મને વિશ્વાસ છે કે, ખૂબ અગમચેતી પૂર્વક દૂરંદેશી સાથે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખબૂ સરસ પ્લાનિંગ થયું છે. આખા દેશમાં લગભગ સૌથી બેસ્ટ કાર્યાલય આ રાજકોટનું બને એવો મને વિશ્વાસ છે. જેના માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલને અભિનંદન આપું છું.
રાજકોટ ભાજપના કાર્યાકર્તાઓ સાથે બેઠક
મિની કમલમની મુલાકાત બાદ પાટીલ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. લાંબા સમયથી નરેશ પટેલના રાજકીય આગમન અંગે ચર્ચા છે અને સતત સસ્પેન્સ બની રહ્યું છે. આ સમયે આજે પાટીલના રાજકોટ આગમનમાં ખાસ કરીને રાદડિયા ટ્રસ્ટના સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપનાર છે અને આ કાર્યક્રમમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ હાજર રહેવાના છે.
0 Response to "રાજકોટમાં CR અને નરેશ પટેલ સાથે જોવા મળ્યા, ખોડલધામ ચેરમેને કહ્યું- હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છે કે નહીં"
ટિપ્પણી પોસ્ટ કરો