રાહુલની ED સમક્ષ હાજરી ED ઓફિસમાં રાહુલની પૂછપરછ શરૂ, બહાર પોલીસની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી
રાહુલની ED સમક્ષ હાજરીED ઓફિસમાં રાહુલની પૂછપરછ શરૂ, બહાર પોલીસની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી
રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ED ઓફિસમાં ત્રણ અધિકારી પૂછપરછ કરી રહ્યાં છે. કોંગ્રેસની ઓફિસથી રાહુલની સાથે ચાલતા નીકળેલા કોંગ્રેસ નેતાઓને એક કિમી પહેલા જ રોકવામાં આવ્યા છે. જોકે તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા છે. પોલીસે ધરણા પર બેઠેલા કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા સહિત અન્ય નેતાઓની ધરપકડ કરી છે.
MPના પૂર્વ CM દિગ્વિજિય સિંહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિપક્ષથી ડરે છે તો તેમના અવાજને દબાવવા માટે EDને આગળ કરે છે. ભાજપે એ વાત જાણી લેવી જોઈએ કે કોંગ્રેસ તેમનાથી ડરે એમ નથી. સરકારની ખોટી નીતિઓનો વિરોધ ચાલુ રાખશે.
અમે ભાજપની જેમ દેશની સંપત્તિઓ વેચી નથીઃ સુરજેવાલા
રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસનેતા રણદીપ સિંહ સુરજેવાલે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડમાં કોઈ જ કૌભાંડ થયું નથી. નેશનલ હેરાલ્ડ કંપનીએ યંગ ઈન્ડિયા કંપનીની લોન ચૂકવી છે અને કર્મચારીઓને પગાર આપ્યો છે. અમે ભાજપ સરકારની જેમ સરકારી સંપત્તિઓને વેચી નથી.
કોંગ્રેસનેતા સચિન પાયલોટ પણ દેખાવમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા છે. તેમણે મીડિયાને કહ્યું હતું કે અમે ગાંધીવાદી અને શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢવાની કોશિશ કરી હતી, જોકે દિલ્હીમાં પરવાનગી જ મળી નથી. મને લાગે છે કે આ લોકો જે રીતે એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે એ જાહેર છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તમામ નેતાઓ પર 7-8 વર્ષથી કેસ કરવામાં આવ્યા છે. દેશમાં આટલા જરૂરી મુદ્દાઓ છે, પરંતુ અલગ વિચારધારાઓના લોકોને દબાવવાનું કામ થઈ રહ્યું છે.
આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારી આજે પૂછપરછ કરશે
EDનાં સૂત્રોનું માનીએ તો આજે રાહુલની પૂછપરછ આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારી કરશે. અન્ય લોકોની જેમ જ તેમની પૂછપરછ કરવામાં આવશે. તપાસ દરમિયાન રાહુલ તેમના મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહિ. આ સિવાય તેમના કોઈ સાથી નેતાને પણ EDની ઓફિસની અંદર એ સમયે જવાની પરવાનગી નથી.
EDએ સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે
EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે. લગભગ બે ડઝન સવાલ EDના અધિકારીઓ પૂછશે, જે તમામ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા કંપની સાથે જોડાયેલા છે. રાહુલ ગાંધી યંગ ઈન્ડિયા કંપનીમાં તેમની માતા સોનિયા ગાંધીની સાથે 38-38%નો હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો કોંગ્રેસનેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસની પાસે છે. આ બંને નેતાનાં મૃત્યુ થયાં છે.
55 કરોડની હેરાફેરીનો આરોપ
2012માં સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ વિરુદ્ધ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. એમાં સ્વામીએ ગાંધી પરિવાર પર 55 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જોકે આ કેસમાં EDની એન્ટ્રી વર્ષ 2015માં થઈ હતી.

0 Response to "રાહુલની ED સમક્ષ હાજરી ED ઓફિસમાં રાહુલની પૂછપરછ શરૂ, બહાર પોલીસની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી"
ટિપ્પણી પોસ્ટ કરો