લતા મંગેશકર અડધાં ગુજરાતી હતાં #news
લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર થિયેટર આર્ટિસ્ટ તથા ગાયક હતા. તેમના પિતાએ બે લગ્ન કર્યાં હતાં. તેમના પિતાએ ગુજરાતી યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. પહેલાં લગ્ન નર્મદા સાથે કર્યાં હતાં. જોકે, તેમનું અવસાન થતાં નર્મદાની નાની બહેન શેવંતી (પછી નામ શુધામતી રાખવામાં આવ્યું હતું) સાથે લગ્ન કર્યા હતા. આમ લતા મંગેશકર અડધાં ગુજરાતી હતાં.
લતાજીને નાનપણથી જ ગાવાનો શોખ હતો. સંગીતમાં પહેલેથી જ તેઓ રસ ધરાવતાં હતાં. લતાએ 13 વર્ષની ઉંમરમાં 1942માં મરાઠી ફિલ્મ 'પહલી મંગલાગૌર'માં ગીત ગાયું હતું. 1947માં હિંદી ફિલ્મ 'આપકી સેવા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 36 ભાષાનાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. 2015માં લતાજીએ છેલ્લીવાર નિખિલ કામતની ફિલ્મ 'ડોન્નો વાય 2'માં ગીત ગાયું હતું.
પહેલાં ગીત માટે 25 રૂપિયા મળ્યાં હતાં
લતાજીએ પહેલી વાર જ્યારે સ્ટેજ પર ગીત ગાયું ત્યારે તેમને 25 રૂપિયા મળ્યા હતા. તેઓ આ પૈસાને પોતાની પહેલી કમાણી માનતા હતા. લતાના ભાઈ હૃદયનાથ, બહેનો ઉષા, મીન તથા આશા મંગેશકરે પણ મ્યૂઝિકમાં જ કરિયર બનાવી છે. હૃદયનાથે બહેન લતા સાથે કેટલાંક મરાઠી ફિલ્મના ગીતો ગાયાં હતાં, જેમાં ફિલ્મ 'કામાપુર્તામામા'નું ગીત 'આશા નિશા પુર્તા કઢી..' સૌથી વધુ લોકપ્રિય થયું હતું.
આ રીતે ફર્સ્ટ બ્રેક મળ્યો
સંગીતકાર ગુલામ હૈદરે 18 વર્ષીય લતાને પહેલી જ વાર સાંભળ્યા તો સફળ ફિલ્મ પ્રોડ્યૂસર શશધર મુખર્જી સાથે મુલાકાત કરાવી હતી. જોકે, શશધરે એમ કહી દીધું હતું કે આ અવાજ ઘણો જ પાતળો છે અને ચાલશે નહીં. પછી ગુલામ હૈદરે 'મજબૂર' ફિલ્મના ગીત 'અંગ્રેજી છોરા ચલા ગયા..'થી ગાયક મુકેશ સાથે ગાવાની તક આપી હતી. આ લતાજીનો સૌથી મોટો બ્રેક હતો. ત્યારબાદ શશધરે પોતાની ભૂલ માની અને 'અનારકલી', 'જિદ્દી' જેવી ફિલ્મમાં લતાજી પાસે ગીતો ગવડાવ્યાં હતાં.
શા માટે લગ્ન ના કર્યાં?
બહુ જાણીતી વાત છે કે લતા મંગેશકરે લગ્ન કર્યાં નહોતા. આ અંગે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, 'ઘરની જવાબદારી મારા પર આવી ગઈ હતી. આથી ઘણીવાર લગ્નનો વિચાર આવતો, પણ કરી શકી નહીં. નાની ઉંમરથી કામ કરવા લાગી હતી. મારી પાસે બહુ જ કામ રહેતું હતું. 1942માં 13 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન થયું હતું. આથી જ પરિવારની જવાબદારી મારા પર આવી ગઈ હતી તો લગ્નનો વિચાર જ મનમાંથી કાઢી નાખ્યો હતો.'
એક્ટિંગ પણ કરી
લતા મંગેશકરના પિતા શાસ્ત્રીય સંગીતના ઘણા જ મોટા પ્રશંસક હતા, આથી જ તેઓ લતાજી ફિલ્મમાં ગીતો ગાય તેના વિરોધમાં હતા. 1942માં પિતાનું અવસાન થયું અને આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગી. આ સમયે લતાજીએ મરાઠી તથા હિંદી ફિલ્મમાં નાના-નાના રોલ પ્લે કર્યા હતા.
મારી નાખવાનો પ્રયાસ થયો હતો
1962માં જ્યારે લતાજી 33 વર્ષનાં હતાં ત્યારે તેમને સ્લો પોઇઝન આપવામાં આવ્યું હતું. લતાના એકદમ નિકટના સાથી પદ્મા સચદેવે પુસ્તક 'ઐસા કહાં સે લાઉં'માં આનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ રાઇટર મજરુહ સુલ્તાનપુરી અનેક દિવસો સુધી લતાજીના ઘરનું ભોજન પહેલાં પોતે ટેસ્ટ કરતા અને પછી જ લતાજીને આપતા. જોકે, તેમને મારવાનો પ્રયાસ કોણે કર્યો હતો તેનો ખુલાસો આજ દિન સુધી થઈ શક્યો નથી.
આ અવોર્ડ્સથી સન્માનિત થયાં હતાં
ફિલ્મફેર અવોર્ડ (1958, 1962, 1965, 1969, 1993 અને 1994)
નેશનલ અવોર્ડ (1972, 1975 અને 1990)
મહારાષ્ટ્ર સરકાર અવોર્ડ (1966 અને 1967)
1969- પદ્મભૂષણ
1989- દાદા સાહેબ ફાળકે અવોર્ડ
1993- ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
1996- સ્ક્રીન લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
1997- રાજીવ ગાંધી અવોર્ડ
1999- પદ્મવિભૂષણ, ઝી સિને લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
2000- IIFA લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
2001- સ્ટારડસ્ટ લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ, નૂરજહાં અવોર્ડ, મહારાષ્ટ્ર ભૂષણ અવોર્ડ
2001- ભારત રત્ન
0 Response to "લતા મંગેશકર અડધાં ગુજરાતી હતાં #news"
ટિપ્પણી પોસ્ટ કરો