રાજકોટમાં કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ, ખાનગી પાર્ટીમાં પાસના રૂ.300થી 800
રાજકોટમાં કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ, ખાનગી પાર્ટીમાં પાસના રૂ.300થી 800
રંગીલા રાજકોટવાસીઓની એક અનોખી તાસીર છે, તહેવાર કોઈ પણ હોય પરંતુ હર હંમેશ તેઓ તહેવારને મન ભરીને માણે છે. હોળી-ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે બે વર્ષ બાદ રંગીલા રાજકોટની રંગીલી જનતા આ વર્ષે કોરોના હળવો થતા ધુળેટીના રંગે રંગાઇ જવાના મૂડમાં જોવા મળી રહી છે. બે વર્ષ બાદ રાજકોટમાં ખાનગી પાર્ટી પ્લોટમાં અને વોટર પાર્કમાં લગભગ 20 જેટલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટવાસીઓ મન ભરીને એકબીજાના મિત્રો તેમજ પરિવારજનોને રંગોથી રંગી અને ડીજે વિથ રેઇન ડાન્સ, ધમાલ અને મસ્તી કરતા નજરે પડશે. પાર્ટીમાં એક વ્યક્તિ માટે પાસની કિંમત 300થી 800 રૂપિયા છે. તેમજ આ વર્ષે કલરમાં 25થી 30 ટકાનો ભાવ વધારો આવ્યો છે. તેમજ સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીએ આકર્ષણ જમાવ્યું છે. કારણ કે આ પિચકારીમાં પાણી સાથે કલર મિક્સ થઇ રંગોની છોળો ઉડાડે છે.
પિચકારીનો ભાવ 10થી 1000 રૂપિયા
આ વર્ષે બજારમાં 10 રૂપિયાથી લઇ 1000 રૂપિયા સુધીની પિચકારી રાજકોટ બજારમાં વેચાઇ રહી છે, જેમાં એક પિચકારી નવી જોવા મળી છે, જેમાં કલર પણ સાથે ભરવામાં આવે છે અને કલર જ પાણી સાથે મિક્સ થઇ બહાર ઉડે છે. જેની કિંમત 1000 રૂપિયા છે. સાથે જ કલરમાં પણ 200થી લઇ 800 રૂપિયા કિલો સુધીના કલર બજારમાં વેચવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે પિચકારી કલરમાં 10થી 15%નો ભાવ વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે 25થી 30%નો ભાવ વધારો કલર તેમજ પિચકારીમાં આવ્યો છે. આમ છતાં લોકો કલર પિચકારીની ખરીદી કરી તહેવારને મનાવવા માટે થનગની રહ્યા છે.
0 Response to "રાજકોટમાં કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ, ખાનગી પાર્ટીમાં પાસના રૂ.300થી 800"
ટિપ્પણી પોસ્ટ કરો