મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળ્યો,
મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળ્યો, કહ્યું- કેટલાંક રાજ્યો ટેક્સ ન ઘટાડતાં લોકોનું ભારણ વધ્યું
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એમાં મહામારી અને યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે દેશની આર્થિક સ્થિતિ પર થયેલી અસર અંગે પણ ચર્ચા થઈ હતી. પીએમએ રાજ્યોને તેમના ભાગનો ટેક્સ ઘટાડવાની અપીલ કરી છે, જેથી લોકો પરનો મોંઘવારીનો ભાર ઘટાડી શકાય.
પીએમએ આ દરમિયાન પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને વિરોધી રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ઘણાં રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં જોવા મળતા તફાવત અંગે પણ વાત કરી હતી. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે મુંબઈમાં પેટ્રોલ 120 રૂપિયા લિટરે મળે છે, જ્યારે પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં એ 102 રૂપિયા લિટરના ભાવે મળે છે. આ જ રીતે એ તામિલનાડુમાં 111 રૂપિયા અને જયપુરમાં 118 રૂપિયામાં મળે છે.
PM મોદીએ કહ્યું હતું કે હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરું છું, જેમણે અત્યારસુધી પોતાનું કામ કર્યું છે. કેટલાંક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનો પડકાર હજી ટળ્યો નથી. સ્થિતિ ગંભીર થઈ શકે છે. છેલ્લા થોડા દિવસોમાં ઘણા દેશોમાં કેસ નોંધાયા છે. જોકે અમે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે. છેલ્લાં બે સપ્તાહમાં કેસ વધવાને પગલે એ વાતનો ખ્યાલ આવે છે કે આપણે સાવધાન રહેવું જોઈએ. આપણે અગાઉના મહિનાઓમાં આવેલી લહેરમાંથી ઘણું શીખ્યા છીએ. છેલ્લાં બે વર્ષની અંદર દેશે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઓક્સિજનમાં કામ કર્યું છે.
ત્રીજી લહેરમાં પણ સ્થિતિ ન બગડી. એનાથી વેક્સિનેશનને મદદ મળી. દરેક રાજ્યમાં વેક્સિન લોકો સુધી પહોંચી ગઈ. દરેક ભારતીય માટે ગૌરવની વાત છે, આજે 96 ટકા વસતિને પ્રથમ ડોઝ, 15 વર્ષથી વધુના 85 ટકાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તમે જાણો છો કે વેક્સિન સૌથી મોટું કવચ છે. દેશમાં લાંબા સમય પછી સ્કૂલ ખૂલી છે. એવામાં કેસ વધવાની ચિંતા વધી રહી છે. માર્ચમાં આપણને 12થી 14 માટે, આવતીકાલથી 6થી 12 માટે કોવેક્સિનની પરવાનગી મળી ગઈ છે.
ચેપને શરૂઆતથી જ રોકવાનો છે
તમામ એલિજેબલ બાળકોને ઝડપથી વેક્સિન આપવી એ આપણી પ્રાથમિકતા છે. પહેલાંની જેમ સ્કૂલોમાં વિશેષ અભિયાન ચલાવવાની જરૂર છે. ટીચર્સ-પેરેન્ટ્સ અને અન્ય એલિજિબલ લોકો પણ પ્રિકોશન ડોઝ લઈ શકે છે. તેમને આપણે હવે જાગ્રત કરતા રહેવું પડશે. ત્રીજી લહેર દરમિયાન આપણે પ્રત્યેક દિવસે ત્રણ લાખથી વધુ કેસ જોયા. આપણે એને હેન્ડલ પણ કર્યા. આ જ બેલેન્સ આપણી આગળની સ્ટ્રેટેજીનો હિસ્સો હોવો જોઈએ. ચેપને શરૂઆતથી જ રોકવાનો છે. આપણી પ્રાથમિકતા પહેલાં પણ આ જ હતી અને આજે પણ એ જ છે.
કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરે
એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે લોકોમાં પેનિક ન ફેલાય. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને અપડેટ કરવાનું કામ ઝડપથી ચાલતું રહેવું જોઈએ. આ માટે જવાબદારી નક્કી કરવામાં આવે, જેથી જરૂરિયાત પડવા પર સંકટ ન સર્જાય. કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયત્નોને કારણે હેલ્થ સેક્ટરમાં સુધારો થઈ શક્યો છે.
રાજ્યોને કહ્યું- ટેક્સ ઘટાડો
આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોનો વિષય બધા સમક્ષ છે. દેશવાસીઓ પર એને કારણે આવતો બોજો ઘટાડવા માટે અગાઉ મેં કેટલાંક રાજ્યોને ટેક્સ ઘટાડવા અપીલ કરી હતી અને એ પછી કેટલાંક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડ્યો હતો, જ્યારે કેટલાંક રાજ્યોએ હજી પણ ટેક્સ ઘટાડ્યો નથી. આ કારણે આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બીજા કરતાં વધુ છે.
0 Response to "મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળ્યો,"
ટિપ્પણી પોસ્ટ કરો