બરોડા મ્યુઝિયમ જોવા દરવાજે ભીડ ભેગી થાય છે, 100 રૂપિયાની ટિકિટનું સાંભળી બારોબાર રવાના થઈ જાય છે
જગપ્રસિદ્ધ બરોડા મ્યુઝિયમ જોવા દરવાજે ભીડ ભેગી થાય છે, 100 રૂપિયાની ટિકિટનું સાંભળી બારોબાર રવાના થઈ જાય છે.
વડોદરાના જગમશહૂર મ્યુઝિયમનું નામ સાંભળતા જ દિલમાં એક આદરની લાગણી પેદા થાય. આપણા ઇતિહાસ ઉપરાંત વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ. આજે આ મ્યુઝિયમની સ્થાપનાને બરાબર 128 વર્ષ થયા છે. કોરોના પહેલાં અહીં પ્રવેશ માટે 10 રુપિયાની ટિકિટ હતી ત્યારે વર્ષે સરેરાશ 3 લાખ મુલાકાતી આવતા હતા. કોરોનામાં ભીડને ટાળવા ટિકિટનો દર રુ. 100 કરી દેવાતા મહિને માંડ 5 હજાર લોકો આવતા હતા. જો કે, હવે કોરોનાની ત્રણ લહેરો પસાર થઈ જવા છતાં ટિકિટનો દર રુ. 100 યથાવત રખાતા મ્યુઝિયમ જોવા આવતા લોકોએ નિરાશ થઈ ડેલીએ હાથ દઈને પાછા જવું પડે છે.
લોકો મ્યુઝિયમ જોવાથી વંચિત રહી જાય છે
બરોડા મ્યુઝિયમની સ્થાપના 1 જૂન 1894ના રોજ કરાઈ હતી. બે વર્ષ પહેલાં કોરોનામાં લોકોની ભીડ ઘટાડવા સરકારે વ્યાપક પગલાં લીધાં હતાં. આમાં ટ્રેનમાં માત્ર રિઝર્વેશન પર મુસાફરી, રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વૃદ્ધિ, બસ અને વિમાન મુસાફરી 50 ટકા કેપેસિટી સાથે જ સંચાલિત કરવી વગેરેનો સમાવેશ થતો હતો. આ રીતે વડોદરાના કમાટીબાગ સ્થિત ગુજરાતના સૌથી મોટા બરોડા મ્યુઝિયમમાં પણ લોકોની ભીડ ઘટાડવા ટિકિટનો દર રુ. 10 પ્રતિ મુલાકાતીથી વધારીને રુ. 100 કરાયો હતો. હવે બધું ન્યૂ નોર્મલ થઈ ગયું છે ત્યારે બાકીના નિયંત્રણો તો હટી ગયા છે પરંતુ બરોડા મ્યુઝિયમના ટિકિટના દરમાં જે 900 ટકાનો વધારો ઝિંકાયો હતો, તે બે વર્ષ બાદ પણ પરત ખેંચાયો નથી. જેથી અનેક લોકો આ જ્ઞાનના ભંડારનો લાભ લેવાથી વંચિત થઇ રહ્યા છે.
ચાર મિત્રોને મ્યુઝિયમ જોયા વિના પરત જવું પડ્યું
મૂળ રાણપુરના અને એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી ઉમેશ પરમારે જણાવ્યું હતું કે, મિત્રો સાથે કમાટીબાગની મુલાકાતે આવ્યો છું. અહીં મ્યુઝિયમ ઘણું સારુ છે તેવું સાંભળ્યું હોવાથી તે જોવો માટે આવ્યો છું. પણ મ્યુઝિયમની ટિકિટના ભાવ પ્રતિવ્યક્તિ 100 રૂપિયા છે. સામાન્ય વ્યક્તિને 100 રૂપિયા ક્યાંથી પરવડે? આખો બગીચો ફરવો ફ્રી છે. પ્રાણી સંગ્રહાલયની ટિકિટ 20 રૂપિયા છે, પણ મ્યુઝિયમની ટિકિટ ખૂબ વધુ છે. હું મારા ચાર મિત્રો સાથે આવ્યું છું એટલે મને હતું કે, મ્યુઝિયમ 40 કે 50 રૂપિયામાં જોવાઇ જશે, પરંતુ, આ ભાવ ઘણા છે. તેથી અમે હવે મ્યુઝિયમ જોયા વિના પરત જઇ રહ્યા છીએ.
ટિકિટના દર રુ. 20 કરવા રજૂઆત કરી છે
બરોડા મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલે જણાવ્યું હતું કે, કોરોનામાં લોકડાઉન બાદ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી 1 નવેમ્બર 2021થી ફરી લોકોને નિહાળવા માટે શરૂ કરવામાં આવી હતી. કોરોનાની સ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા આ મ્યુઝિયમની ટિકિટ પ્રતિવ્યક્તિ 100 રૂપિયા કરવામાં આવી હતી. અમે ટિકિટનો દર ઘટાડવા પ્રપોઝલ ગાંધીનગર મોકલ્યું છે. હવે ટિકિટનો દર 20 રૂપિયા આસપાસ કરવામાં આવી શકે છે. જેવી સરકારની મંજૂરી આવશે એટલે ટિકિટનો દર ઘટાડી દેવામાં આવશે.
કઈ-કઈ ધરોહર સચવાઈ છે બરોડા મ્યુઝિયમમાં ?
વડોદરાના કમાટીબાગમાં આવેલા મ્યુઝિયમની સ્થાપના ઇ.સ. 1894માં થઇ હતી. આ મ્યુઝિયમ તેના વિરલ અને અદ્વિતિય સંગ્રહ તથા સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ માનવ સંસ્કૃતિઓ અને સંસ્કારનું પ્રતિનિધિત્વ કરતા સંગ્રહને લીધે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત છે. આ મ્યુઝિયમમાં યુરોપના તૈલચિત્રો, ભારતીય લઘુચિત્રો, શિલ્પ કળા, સિક્કાઓ, કાપડ અને વણાંટ કળાના નમૂનાઓ, હુન્નર વિદ્યાના નમૂનાઓ, ઇસ્લામિક કળા, જાપાની કળા, ચીનની કળા, નેપાળ-તિબેટની કળા, ઇજીપ્તની મમી અને કળા, ભારત-ગ્રીક કળાઓનું સુભગ સંમિશ્રણ ધરાવતા નમૂનાઓ અને વ્હેલ માછલીના હાડપિંજર સહિતના પ્રાકૃતિક ઇતિહાસના નમૂનાઓ સંગ્રહિત છે.
મ્યુઝિયમ લક્ઝરી નહીં, પણ જ્ઞાનનું સંગ્રહ સ્થળ
બરોડા મ્યુઝિયમમાં જે સંગ્રહ છે તે લોકો, વિદ્યાર્થીઓ અને યુવકો તેમજ રિસર્ચર્સ માટે તેમના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ છે. એટલે કે, આ હરવા-ફરવાના સ્થળ કરતા લોકોના જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને જાણવાનું માધ્યમ છે. જેથી હવાઇ અને રેલવે જેવી સેવાઓ ન્યૂ નોર્મલ થઇ હોય તો પછી બરોડા મ્યુઝિયમના ટિકિટના દર ઘટાડવા પણ એટલા જરૂરી છે..
.jpg)
0 Response to " બરોડા મ્યુઝિયમ જોવા દરવાજે ભીડ ભેગી થાય છે, 100 રૂપિયાની ટિકિટનું સાંભળી બારોબાર રવાના થઈ જાય છે"
ટિપ્પણી પોસ્ટ કરો