શાળાને પશુ દીઠ 30ની સહાય અપાશે, જિલ્લા દીઠ 75 સરોવર નિર્માણના કામો સત્વરે હાથ ધરાશે- જીતુભાઈ વાઘાણી
શાળાને પશુ દીઠ 30ની સહાય અપાશે, જિલ્લા દીઠ 75 સરોવર નિર્માણના કામો સત્વરે હાથ ધરાશે- જીતુભાઈ વાઘાણી
ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.30ની સહાય ગત તા.1લી એપ્રિલ-2022થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની વિગતો આપતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીએ ગૌ માતા સંરક્ષણ માટે અંદાજપત્રમાં રૂ.500 કરોડની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. જેમાં રજીસ્ટર્ડ પાંજરાપોળોમાં 4.42 લાખથી વધુ પશુધન છે. તેઓને સહાયરૂપ થવા આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પાંજરાપોળોમાં ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂ.2 કરોડની સહાય અપાશે. જેમાં 14 એકર જમીન તથા 1૦૦૦થી વધુ પશુ નિભાવ હોય તેને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયને પરિણામે સાધુ-સંતો, પાંજરાપોળના સંચાલકો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે.
હળવદની ઘટનામાં સહાય જાહેર કરાઈ
પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, મોરબીના હળવદ જીઆઇડીસીમાં દીવાલ પડવાની ઘટનામાં 12 શ્રમિકોના દુઃખદ મૃત્યુ થયા છે.20 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ શ્રમિકો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાનએ પ્રાઈમ મીનીસ્ટર નેશનલ રિલિફ ફંડમાંથી મૃતકોના પરિવારોને રૂ.બે લાખ તેમજ મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખ સહાય આપવાનું જાહેર કર્યું છે આ ઉપરાંત ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય તેમજ તેમના સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપશે તેમ પ્રવકતા મંત્રીએ મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ આપતાં ઉમેર્યું હતું.
ખેડૂતોને 1481 કરોડ ચૂકવાયા
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, ચણા પકવતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ વખત ચણાની ટેકાના ભાવે બમ્પર ખરીદી પણ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને રૂ. 1481 કરોડની ચૂકવણી પણ કરી દેવાઈ છે. જરૂર પડે ટેકાના ભાવે વધુ ચણાની ખરીદી ખેડૂતોના હિતમાં કરવામાં આવશે.
ઈનામી કાયદાઓમાં સુધારા
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, મહેસૂલ વિભાગ દ્વારા 24 જેટલા જમીનોને લગતા ઈનામી કાયદાઓમાં નોધપાત્ર સુધારાઓ કર્યાં છે. જેના પરિણામે ખેડૂતોના નવી શરત અને જૂની શરતના મોટા ભાગના પ્રશ્નો હલ થયા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની આઝાદીના 75 વર્ષની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે હેઠળ દેશભરના તમામ જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનું કામ હાથ ધરાયું છે. એ ક્ષેત્રે પણ ગુજરાતમાં કામગીરી શરૂ કરી દેવાઇ છે. જે માટે સંબંધિતોને સત્વરે કામો પૂર્ણ કરવા સૂચનાઓ આપી દેવાઇ છે.
સ્થાનિક કક્ષાએ રિવ્યુ બેઠક
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ આગામી તા. 23મે થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓશ્રી ગુજરાતનું ગૌરવસમા એશિયાટીક સિંહોના સંવર્ધન સંદર્ભે તથા ગિર અભયારણ્ય નેસમાં વસતા નાગરિકો, હોટલના માલિકો અને ખેડૂતો સાથે પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરશે. આ ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમિક્ષા બેઠક યોજશે.કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભો સત્વરે નાગરિકોને મળતા થાય એ માટે તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને સ્થાનિક કક્ષાએ રિવ્યુ બેઠક કરીને કામો પૂર્ણ કરવા પણ સૂચના આપી છે.
અરજીઓનો નિકાલ કરાયો
પ્રવકતા મંત્રીએ સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યભરમાં આ કાર્યક્રમ અંતર્ગત 56 જેટલી સરકારી સેવાઓ ઘર બેઠાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુના આઠમા તબક્કાના બીજા રાઉન્ડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 4,57,222 અરજીઓ પૈકી 4,57,216 એટલે કે 99.58 ટકા અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે જયારે બાકી રહેતા લાભાર્થીઓને સત્વરે લાભ પૂરા પાડવામાં આવશે.
સવલતો પૂરી પાડી
માર્ગ અને મકાન વિભાગની માહિતી આપતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા વિભાગ-વિભાગીય તેમજ રાજ્ય સ્તરીય સંલગ્ન એપ્લિકેશન સમન્વય કરીને એક કોમન ઈન્ટિગ્રેટેડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં વિભાગીય સ્તરે કામોનું નિરીક્ષણ, શેડ એસેટ, મેનેજમેન્ટ વગેરે જ્યારે રાજ્ય સ્તરીય સંલગ્ન એપમાં ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. એકસાથે ઈન્ટિગ્રેટેડ થવાથી વિભાગ, સરકાર તેમજ નાગરિકો માટે વધુ સારી સવલતો સમયસર પૂરી પાડી શકાશે. કામ મંજુરીથી કામ પૂર્ણ થાય ત્યાં સુધીના તબક્કાઓનું સતત મોનિટરિંગ થઈ શકશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
જળસ્તર ઊંચા લાવવા કામ
પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને જળ સંચય થાય તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 84 ટકા કામો પૂર્ણ થયા છે. જે માટે કુલ 617.44 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ વર્ષે તા. 19 માર્ચ 2022થી જળ અભિયાનના કામોનો શુભારંભ કરાયો હતો જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ રૂ. 61744 લાખના ખર્ચે કુલ 18790 કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી કુલ 14217 કામો પ્રગતિ હેઠળ છે અને 1809 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રોજબરોજનું મોનિટરિંગ
રાજ્યના નાગરિકો માટે જનસુખાકારીના કામો વધુ વેગવાન બને એ માટે ફાઇલો જે સંબંધિત વિભાગને મંજૂરી માટે જતી હોય છે તે ફાઇલોને અગ્રિમતા આપી તુરંત નિકાલ કરવા પણ મુખ્યમંત્રી દ્વારા સૂચનાઓ અપાઇ છે. પીવાના પાણી સંદર્ભે પણ રોજબરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે.
0 Response to "શાળાને પશુ દીઠ 30ની સહાય અપાશે, જિલ્લા દીઠ 75 સરોવર નિર્માણના કામો સત્વરે હાથ ધરાશે- જીતુભાઈ વાઘાણી"
ટિપ્પણી પોસ્ટ કરો