અમદાવાદમાં પાણીજન્ય રોગોના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો
અમદાવાદમાં પાણીજન્ય રોગોના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો
એક તરફ તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે અને સાથે જ ચોમાસાના આગમનની તૈયારીઓ વર્તાઈ રહી છે ત્યારે અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
શહેરની હોસ્પિટલ્સમાં મે મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન ડાયેરિયાના 395 કેસ નોંધાયા છે. જ્યારે તેની સરખામણીએ ગત વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન માત્ર 4 જ કેસ નોંધાયા હતા. ટકાવારીની રીતે જોઈએ તો ડાયેરિયાના કેસમાં ભયજનક કહી શકાય તેવો 9,775%નો વધારો જોવા મળ્યો છે.
આ જ રીતે મે મહિનાની પહેલી તારીખથી 14મી તારીખ દરમિયાન ટાઈફોઈડના 111 કેસ નોંધાયા છે. આ આંકડો ગત વર્ષના મે મહિના દરમિયાન નોંધાયેલા 17 કેસની સરખામણીએ 556% જેટલો વધારે છે. શહેરમાં ગત વર્ષે મે મહિના દરમિયાન જોન્ડિસ એટલે કે, કમળાના 23 કેસ નોંધાયા હતા જેની સરખામણીએ આ વર્ષ દરમિયાન કેસની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ડિપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે ગત મે મહિનાની સરખામણીએ ચાલુ વર્ષ દરમિયાન વેક્ટર બોર્ન એટલે કે, વાહકજન્ય રોગોની સંખ્યામાં પણ વધારો જણાઈ રહ્યો છે. શહેરની હોસ્પિટલ્સમાં મે મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન મેલેરિયાના 45 કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન મેલેરિયાના માત્ર 6 જ કેસ નોંધાયા હતા.
ઉપરાંત શહેરમાં ફાલ્સીપેરમના 4 કેસ નોંધાયા છે જ્યારે ગત વર્ષે મે મહિના દરમિયાન ફાલ્સીપેરમનો એક પણ કેસ નહોતો નોંધાયો. ચાલુ મહિના દરમિયાન ડેન્ગ્યુના 7 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે જ્યારે ગત વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન ડેન્ગ્યુના 3 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા હતા.
AMCને શહેરના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી મચ્છરના ઉપદ્રવની સૌથી વધારે ફરિયાદો મળી છે.
હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીના કહેવા પ્રમાણે ચાલુ મહિના દરમિયાન કુલ 5,856 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકીના 114 ટેસ્ટના પરિણામમાં ક્લોરિનની ઉણપ જોવા મળી છે. વિભાગ દ્વારા 796 બેક્ટેરિયોલોજિકલ સેમ્પલ્સ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાંથી 10 સેમ્પલ અયોગ્ય જણાયા છે.
0 Response to "અમદાવાદમાં પાણીજન્ય રોગોના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો"
ટિપ્પણી પોસ્ટ કરો