રાજકોટમાં બોઘરાનું નિવેદન ચૂંટણીપંચ પહેલાં ભાજપ ઉપાધ્યક્ષે કારોબારીમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાની તારીખ જાહેર કરી, કહ્યું- 15 ઓક્ટોબરથી આવી જશે
રાજકોટમાં બોઘરાનું નિવેદન ચૂંટણીપંચ પહેલાં ભાજપ ઉપાધ્યક્ષે કારોબારીમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાની તારીખ જાહેર કરી, કહ્યું- 15 ઓક્ટોબરથી આવી જશે
રાજકોટ જિલ્લા ભાજપની આજે હેમુ ગઢવી હોલ ખાતે કારોબારી બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કારોબારી બેઠક ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કારોબારીમાં બોઘરાએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીની આચારસંહિતા 15 ઓક્ટોબરથી આવી જશે, એટલે આપણી પાસે 100-125 દિવસ બાકી છે. 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે, એટલે તૈયારીઓ શરૂ કરી દ્યો. જોકે આચારસંહિતા અને ચૂંટણી ચૂંટણીપંચ જાહેર કરતું હોય છે, પરંતુ અહીં બોઘરાએ જ આચારસંહિતાની તારીખ જાહેર કરતાં વિવાદ સર્જાયો છે.
ચૂંટણી જાહેર કરવાનું કામ ચૂંટણીપંચનું: બોઘરા
કારોબારી બેઠક પૂરી થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં બોઘરાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની કારોબારી બેઠક હતી, જેમાં ભાજપના કાર્યકરોને મેં એવું માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે, આથી એના બે મહિના પહેલાં ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે 15 ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી, એટલે હવે 120 દિવસ બાકી છે. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શેડ્યૂલ જોઇને કામ કરવું જોઇએ, એવું માર્ગદર્શ આપ્યું હતું. ચૂંટણીપંચનું કામ છે ચૂંટણી જાહેર કરવી, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આખા ગુજરાતના આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી ડિસેમ્બર મહિનામાં નિશ્ચિત સમયે આવવાની છે. ડિસેમ્બરના બે મહિના પહેલાં ચૂંટણીપંચની કાર્યવાહી ચાલતી હોવાથી અમારા કાર્યકર્તા પાસે સમય ન હોય.
કારોબારીમાં રાજકોટ જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા
આજની કોરાબારી બેઠકમાં જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી કાર્યકરો ઊમટી પડ્યા હતા. કારોબારીમાં બોઘરાએ આચારસંહિતાની તારીખ પણ જાહેર કરી દીધાનું પણ જાણવા મળ્યું છે. ચૂંટણીપંચ પહેલાં બોઘરાએ આચારસંહિતાની તારીખ જાહેર કરતાં વિવાદ ઊઠ્યાનું ચર્ચાઇ રહ્યું છે.
મીડિયાએ બોઘરાએ આચારસંહિતાની તારીખ જાહેર કરી એના જવાબમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું હતું કે એ ચૂંટણીપંચ અને રાજ્ય સરકારનો નિર્ણય છે. એ જાહેરાત થાય પછી ફાઇનલ કહેવાય. આ ભરતભાઈનો વિષય છે. જ્યારે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે એવું નથી, ચૂંટણી વહેલી આવવાની શક્યતા છે, એવું ભરતભાઈ બોલ્યા છે. ચૂંટણી સમયસર જ યોજાવાની છે. આ બાબતે તમે ભરતભાઈને જ પૂછી લેજો.

0 Response to "રાજકોટમાં બોઘરાનું નિવેદન ચૂંટણીપંચ પહેલાં ભાજપ ઉપાધ્યક્ષે કારોબારીમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાની તારીખ જાહેર કરી, કહ્યું- 15 ઓક્ટોબરથી આવી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો