16થી 18 જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય,
16થી 18 જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય, માલવાહક રોપ વેમાં મંદિર સુધી જઇ શકે છે મોદી
- મોદી સવારે 9.15 કલાકે મહાકાળી માતાજીના દર્શન કરશે, 11.30 કલાકે વિરાસત વનની મુલાકાત લેશે
આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં વિકાસ કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે. જેને લઇને 16 જૂને બપોરે 12 વાગ્યાથી 18 જૂને બપોરે 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવાનો પાવાગઢ મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદી માલવાહક રોપ-વેમાં જાય તેવી શક્યતા છે. જેના માટે 4 ટ્રોલી બનાવવાની કામગીરી ચાલી રહી હોવાની માહિતી મળી છે.
મંદિરમાં વડાપ્રધાનનું સ્વાગત થશે
પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીી વડા તળાવથી માંચી સુધી રોડ માર્ગે આવશે અને ત્યાર બાદ રોપ-વેના માધ્યમથી જશે. વડાપ્રધાન મોદી ચાંચર ચોક સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મહાકાળી માતાના દર્શન કરશે. આ સમયે પંડિતો, ભૂદેવો મંદિરમાં પૂજા વિધી કરાવશે. મંદિરની નજીક સ્ટેજ બનાવડાવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. જ્યાં વડાપ્રધાન ટ્રસ્ટીઓ સાથે વાર્તાલાપ કરશે. આ સમયે સંતો, મહંતો, સીએમ, ગૃહમંત્રી, ધારાસભ્યો અને સાંસદો હાજર રહેશે. આ પ્રસંગે કંજરી રામજી મંદિરના મહંત અને અખીલ ભારતીય સંત સમિતિના ઉપ પ્રમુખ રામશરણદાસજી મહારાજ સહિત 17 જેટલા સંતો હાજરી આપશે.
મોદી માલવાહક રોપ-વેમાં જાય તેવી શક્યતા
ઉલ્લેખનિય છે કે, મોદી પેસેન્જર રોપ-વેમાં જશે કે માલવાહક રોપ-વેમાં જશે, તેનો નિર્ણય કરાયો નથી. જોકે, પેસેન્જર રોપ-વેમાં જાય તો 500 જેટલા પગથીયા ચઢીને જવુ પડે, જેથી સુરક્ષાનો પ્રશ્ન ઉભો થાય છે અને જો માલવાહક રોપ વેમાં જાય તો તેઓ સીધા મંદિર પરિસરમાં પહોંચી જાય. જેથી મોદી માલવાહક રોપ-વેમાં જાય તેવી શક્યતા છે. જેના માટે 4 ટ્રોલી બનાવવાની કામગીરી ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. આજે રેન્જ આઇજી એમ.એસ.ભરાડાએ મંદિર ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી હતી.
મોદી 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 અને 18 જૂને ગુજરાતમાં છે. વડાપ્રધાન 17 જૂને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. 18મી જૂને સવારે 9.15 કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરશે અને ત્યાર બાદ 11.30 કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે. ત્યારબાદ વડોદરા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના 16,369 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
વિકાસ કામોના કામગીરી પૂર્ણ
સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2017માં મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વિકાસના કામો માટે રૂા. 121 કરોડની માતબર રકમની ફાળવણી કરી હતી. 2017થી જ પાવાગઢ ખાતે વિકાસના અનેક કાર્યનો આરંભ કરાયો હતો. જે તમામ વિકાસના કાર્યો પૂર્ણ કરી દેવાયા છે. નિજ મંદિરમાં એક સાથે બે હજાર ભક્તોમાં મહાકાળીના દર્શન કરી શકે તેવું વિશાળ પરિસર બનાવ્યું છે. તો બીજી તરફ નિજ મંદિર સુધી પહોંચવા માટેના પગથિયાની પહોળાઇમાં વધારો કર્યો છે. નિજ મંદિરને પણ વિવિધ પ્રકારના નકશી કારીગરો દ્વારા નકશી કામ કરીને અદભુત રીતે શણગારવામાં આવ્યું છે.


0 Response to "16થી 18 જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય,"
ટિપ્પણી પોસ્ટ કરો