2 કલાકમાં તો બધું થઈ ગયું પાણી-પાણી સુરતમાં સાર્વત્રિક વરસાદ, વરાછા-લિંબાયતમાં 2 કલાકમાં 1 ઈંચ ખાબક્યો ને રસ્તા બધે બ્લોક
2 કલાકમાં તો બધું થઈ ગયું પાણી-પાણી સુરતમાં સાર્વત્રિક વરસાદ, વરાછા-લિંબાયતમાં 2 કલાકમાં 1 ઈંચ ખાબક્યો ને રસ્તા બધે બ્લોક
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. લિંબાયત અને વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાની સાથે જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણ આહલાદક થઈ ગયું છે.
રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી
વહેલી સવારે સુરતમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. કામકાજ અર્થે ઘરની નીકળતા લોકોએ આજે છત્રી અને રેઇનકોટ પહેરવાની ફરજ પડી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળતા ઘણા વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પણ થઈ હોવાનું દેખાયું હતું. સુરતના પાલ, અડાજણ, વરાછા, રાંદેર, અઠવાગેટ, ઉધના, લિંબાયત, વેસુ, રીંગરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી ધીમેધીમે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાંથી 7 હજારથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 316.02 ફૂટ પર પહોંચી ગઈ છે.
વરસાદની બાળકોએ મજા માણી.
કોઝવેની સપાટીમાં વધારો
સુરતમાં આવેલા રાંદેર અને કતારગામને જોડતા કોઝવેની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદની સાથે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે. હાલ કોઝવેની સપાટી 5.15 મીટર પર પહોંચી છે. કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતા ઓવરફ્લો થશે.

0 Response to "2 કલાકમાં તો બધું થઈ ગયું પાણી-પાણી સુરતમાં સાર્વત્રિક વરસાદ, વરાછા-લિંબાયતમાં 2 કલાકમાં 1 ઈંચ ખાબક્યો ને રસ્તા બધે બ્લોક"
ટિપ્પણી પોસ્ટ કરો