શુક્રવારે રાજકોટમાં ચોથી ટી20, ભારે બફારા વચ્ચે ટીમોએ મેદાનમાં પ્રેક્ટિસ કરી
IND vs SA: શુક્રવારે રાજકોટમાં ચોથી ટી20, ભારે બફારા વચ્ચે ટીમોએ મેદાનમાં પ્રેક્ટિસ કરી
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને આફ્રિકા વચ્ચે શુક્રવારે ચોથી ટી20 મેચ રમાવાની છે. આ પહેલાં સ્ટેડિયમમાં પહોંચી આફ્રિકન ટીમે પ્રેક્ટિસ કરી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની ચોથી મેચ રાજકોટમાં રમાવાની છે. 17 જૂને રમાનારી મેચ પહેલાં બંને ટીમોએ આજે પ્રેક્ટિસ કરી હતી. બપોરે 1 કલાકે સૌથી પહેલા આફ્રિકાની ટીમ પ્રેક્ટિસ માટે પહોંચી હતી. મહત્વનું છે કે પાંચ મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ છે.
આફ્રિકાની ટીમની પ્રેક્ટિસ બાદ ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જેએ પત્રકારો સાથે વાત કરી હતી. આફ્રિકાના ફાસ્ટ બોલરે કહ્યુ કે, ભારત સામે આ સિરીઝ મહત્વની છે. અમે શ્રેણી જીતવાનો પ્રયાસ કરીશું. તેણે કહ્યું કે, હાલ અમારી ટીમ સારા ફોર્મમાં છે. નોર્ત્જેએ કહ્યુ કે, આવતીકાલે પીચ અને વાતાવરણ જોઈને ટીમ મીટિંગમાં રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
મેચમાં વરસાદ બની શકે છે વિલન
રાજકોટમાં રમાનારી મેચમાં વરસાદનો પણ ખતરો છે. રાજકોટમાં છેલ્લા પાંચ-છ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો વરસાદી વાતાવરણને કારણે પિચ કવર કરી દેવામાં આવી છે. જો મેચમાં વરસાદ આવશે તો દર્શકોની મજા બગડી શકે છે.
આફ્રિકા સિરીઝમાં 2-1થી આગળ
ભારતીય ટીમ આ સિરીઝમાં પોતાના કેટલાક સ્ટાર ખેલાડીઓ વગર મેદાનમાં ઉતરી છે. ત્યારે ટીમની કમાન રિષભ પંત સંભાળી રહ્યો છે. આફ્રિકાએ પ્રથમ અને બીજી ટી20માં ભારતને પરાજય આપ્યો હતો. જ્યારે ત્રીજી ટી20માં ભારતે 48 રને જીત મેળવી હતી. હાલ આફ્રિકાની ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે.
0 Response to "શુક્રવારે રાજકોટમાં ચોથી ટી20, ભારે બફારા વચ્ચે ટીમોએ મેદાનમાં પ્રેક્ટિસ કરી"
ટિપ્પણી પોસ્ટ કરો