પેટ્રોલ અને ડીઝલની 40% સપ્લાય ઓછી, પણ લોકોએ ગભરાવાની જરૂર નથી: પેટ્રોલ પંપ એસોસિયેશન
પેટ્રોલ અને ડીઝલની 40% સપ્લાય ઓછી, પણ લોકોએ ગભરાવાની જરૂર નથી: પેટ્રોલ પંપ એસોસિયેશન
ગુજરાતના 4000થી વધુ પેટ્રોલપંપ માટે પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની સપ્લાયનો પ્રશ્ન ઘેરો બનતો જાય છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે BPCL, HPCL તરફથી ડીઝલ અને પેટ્રોલની સપ્લાય 30-40% જેવી ઘટી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પુરવઠો નિયમિત થતો નથી. જોકે પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા મુજબ સપ્લાય ઓછી છે પણ તેનાથી લોકોએ ગભરાઈને પેટ્રોલ, ડીઝલ પુરાવવા માટે લાઈનો લગાવવાની જરુંર નથી. લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યું છે અને મળતું રહેશે. અત્યારે ડીઝલમાં પુરવઠાની અછત વધારે છે એટલે ડીઝલથી ચાલતા વાહનોને થોડી ઘણી મુશ્કેલી આવી રહી છે.
અનેક રજૂઆતો છતાં કોઈ ફરક નથી પડ્યો
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, આ બંને કંપનીઓ સાથે સપ્લાય નિયમિત કરવા બાબતે રાજ્ય સરકારની હાજરીમાં ત્રણ વખત બેઠક મળી છે. દર વખતે કંપનીઓ આશ્વાસન આપે છે કે પુરવઠો નિયમિત થઈ જશે પણ થતું કઈ નથી. પેટ્રોલ કરતાં ડીઝલમાં તો વધારે હાલત ખરાબ છે. આવું કેમ થઈ રહ્યું છે તે અંગે પણ કંપનીઓએ કોઈ કરણ આપ્યું નથી.
હાલ લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં
ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું કે, BPCL અને HPCL કંપની તરફથી 30-40% જેવી સપ્લાય ઓછી છે. બીજું કે અવારનવાર ઓર્ડર આપવા છતાં પુરવઠો મોડો પણ મળે છે. આના કારણે પંપ માલિકોની મુશ્કેલી વધી છે. જોકે, IOC તરફથી પુરવઠો નિયમિત હોવાથી લોકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહે છે. આ મામલે લોકોએ ગભરવાની જરૂર નથી. લોકોને જરૂરિયાત મુજબની સપ્લાય ચાલુ જ છે અને મળતી પણ રહેશે.
ઘણા સેન્ટર્સમાં લોકોને ઓછું પેટ્રોલ અપાય છે
પંપને ઓછો પુરવઠો મળી રહ્યો હોવાથી ગુજરાતના અમદાવાદ, સુરત, સહિતના ઘણા સેન્ટર્સમાં લોકોને ઓછું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવે છે. કોઈ કાર ફૂલ ટેન્ક કરાવવા આવે તો તેમને ડીઝલ કે પેટ્રોલ ખાલી થવા પર છે અથવા ઓછું છે તેમ કહીને મર્યાદિત માત્રામાં ફ્યુઅલ ભરી દેવામાં આવે છે. તેવું ટુ-વ્હીલર ચાલકો સાથે પણ થઈ રહ્યું છે. અમુક જગ્યાએ પેટ્રોલ કે ડીઝલ ખતમ થઈ ગયાના બોર્ડ પણ લાગેલા હોવાનું માલૂમ પડ્યું છે.
ક્રૂડ વધતાં કંપનીઓને થઈ રહ્યું છે નુકસાન
અગાઉ માર્ચમાં જામનગરના વાડીનાર રિફાઇનરીથી નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ)એ કોઈ પણ કારણ આપ્યા વગર જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું હતું. જોકે બાદમાં થોડા દિવસો પછી સપ્લાય નિયમિત બની હતી. હાલ છેલ્લા ત્રણ મહિનાથી BPCL અને HPCLમાંથી પુરવઠો અનિયમિત બન્યો છે. કંપની સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે તેની સામે ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ બહુ ખાસ વધ્યા નથી જેના કારણે કંપનીઓને નુકસાની થઈ રહી છે. આના કારણે પુરવઠો ધીમો કરવામાં આવ્યો છે.
લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં: પુરવઠા મંત્રી
રાજ્ય કક્ષાના પુરવઠા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ વધ્યો છે તેના કારણે પેટ્રોલ કંપનીઓ પર રૂ. 21 જેવો વધારાનો આર્થિક બોજો આવે છે. જેના કારણે ખાનગી પંપ ઓપરેટરોએ વેચાણ ઘટાડી નાખ્યું અને તેના કારણે સરકારી પેટ્રોલ પંપનું વેચાણ 138% જેટલું વધી ગયું છે. આ ઉપરાંત વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે વપરાશ પણ વધ્યો છે. જેના કારણે પુરવઠાને પણ અસર થઈ છે. પુરવઠો ઘટ્યો છે પણ લોકોએ તેનાથી ગભરાવાની જરૂર નથી.
0 Response to "પેટ્રોલ અને ડીઝલની 40% સપ્લાય ઓછી, પણ લોકોએ ગભરાવાની જરૂર નથી: પેટ્રોલ પંપ એસોસિયેશન"
ટિપ્પણી પોસ્ટ કરો