રાજકોટ એરપોર્ટ પર ભારત-દ.આફ્રિકાની ટીમનું રજવાડી સ્વાગત, રાસ ગરબાની રમઝટ સાથે તિલક અને ફુલહારથી આવકાર્યા
રાજકોટ એરપોર્ટ પર ભારત-દ.આફ્રિકાની ટીમનું રજવાડી સ્વાગત, રાસ ગરબાની રમઝટ સાથે તિલક અને ફુલહારથી આવકાર્યા
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તેને જોવા માટે એક માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્રિકેટરસિકો મેચ જોવા ઉમટી પડતાં હોય છે. આગામી 17 જૂનને શુક્રવારના રોજ SCA સ્ટેડિયમ પર ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T-20 મેચના ‘સાક્ષી’ બનવા માટે પણ ક્રિકેટરસિકો થનગની રહ્યા છે. આજથી રાજકોટ ‘ક્રિકેટમય’ બની ગયું છે કારણ કે ક્રિકેટરો આજથી રાજકોટ આવી પહોંચ્યા છે.
ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે
ગઈકાલે વિશાખાપટ્ટનમમાં ત્રીજી T-20 મેચ રમ્યા બાદ બન્ને ટીમના ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટેલ ખાતે રાજકોટની ઓળખ અને પરંપરા મુજબ ખેલૈયાઓએ ગરબે ઘૂમી કંકુ-તિલક અને ફુલહારથી ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે બપોરે 1 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમ સ્ટેડિયમ પર પરસેવો પાડશે તો સાંજે 5 વાગ્યાથી ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે.
રનોનું રમખાણ થશે
રાજકોટના SCA સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ માનવામાં આવી રહી છે અને ભારત તેમજ દક્ષિણ આફ્રિકા એમ બન્ને ટીમમાં એક-એકથી ચડિયાતા બેટ્સમેન હોવાને કારણે અહીંની બેટિંગ ફ્રેન્ડલી પીચ ઉપર રનોનું રમખાણ થશે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી.
પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
રાજકોટ આવી પહોંચેલા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ક્રિકેટરસિકોએ એરપોર્ટ ઉપરાંત હોટેલની બહાર કલાકો સુધી ધામા નાખી દીધા હતા. કોઈ ક્રિકેટરસિક ખેલાડીની નજીક ન પહોંચી જાય તે માટે પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. એકંદરે આજથી ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રાજકોટમાં હોવાથી શહેર ક્રિકેટમય બની જવા પામ્યું છે.
પ્રવેશદ્વાર પર 18 ડોર ફ્રેમ સાથે પોલીસ તૈનાત
રાજકોટમાં મેચ જોવા આવતા પ્રેક્ષકોને પોલીસ તંત્ર દ્વારા સ્ટેડિયમના વિવિધ પ્રવેશદ્વારો પર ગોઠવવામાં આવેલા 18 ડોર ફ્રેમમાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર સાથે 35 કર્મચારીને તૈનાત કરાયા છે. અહીં લગેજ સ્કેનર પણ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત બે ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સાથે મેડિકલની ટીમને પણ સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. સ્ટેડિયમ અંદર તેમજ બહારની સુરક્ષા માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 ઇન્સ્પેક્ટર, 40 સબ ઇન્સ્પેક્ટર, 232 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, 64 મહિલા પોલીસને રાખવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની બે ટીમને રાખવામાં આવી છે.

0 Response to "રાજકોટ એરપોર્ટ પર ભારત-દ.આફ્રિકાની ટીમનું રજવાડી સ્વાગત, રાસ ગરબાની રમઝટ સાથે તિલક અને ફુલહારથી આવકાર્યા"
ટિપ્પણી પોસ્ટ કરો