-->
વડોદરા ફરી પૂરમાં ડૂબશે?  ચોમાસું માથે છતાં પ્રી-મોન્સૂન કામગીરી હજુ અધૂરી રહેતાં 8 કરોડ પાણીમાં જશે, પાલિકાના પાપે વર્ષોથી પૂરનું સંકટ યથાવત્

વડોદરા ફરી પૂરમાં ડૂબશે? ચોમાસું માથે છતાં પ્રી-મોન્સૂન કામગીરી હજુ અધૂરી રહેતાં 8 કરોડ પાણીમાં જશે, પાલિકાના પાપે વર્ષોથી પૂરનું સંકટ યથાવત્

 

વડોદરા ફરી પૂરમાં ડૂબશે? ચોમાસું માથે છતાં પ્રી-મોન્સૂન કામગીરી હજુ અધૂરી રહેતાં 8 કરોડ પાણીમાં જશે, પાલિકાના પાપે વર્ષોથી પૂરનું સંકટ યથાવત્








વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા શહેરને શાંઘાઇ અને સિંગાપોર બનાવવાના શહેરીજનોને સપનાં બતાવ્યા હતા, પરંતુ વડોદરા કોર્પોરેશનમાં છેલ્લાં 25 વર્ષ ઉપરાંતથી શાસન કરી રહેલા ભાજપના શાસકોએ વડોદરાને નર્કાગારમાં ફેરવી દીધું છે. તમામ ક્ષેત્રે નિષ્ફળ વડોદરા મહાનગરપાલિકાના વહીવટકર્તાઓ દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી માત્ર દેખાડા પૂરતી જ કરી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ચોમાસામાં ડુબાડશે. જોકે શાસકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વડોદરા શહેરના તમામ ચાર ઝોનમાં 90 ટકા જેટલી પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે વિપક્ષ દ્વારા કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીને કાગળ પર હોવાનું જણાવી આક્ષેપ કર્યો છે કે પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી જશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બે ઇંચ વરસાદમાં જ શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ જશે.





પ્રી-મોન્સૂનના 7થી 8 કરોડ પાણીમાં જ જશે


વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે એ માટે કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પ્રી-મોન્સૂનની તમામ પ્રકારની કામગીરી માટે રૂપિયા 7થી 8 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વરસાદી કાંસની સફાઇની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં મેન હોલની સફાઇ 70 ટકાથી 93 ટકા થઇ ગઇ છે. કેચપીટની કામગીરી 91 ટકાથી 100 ટકા થઇ ગઇ છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાંસની સફાઇ 94થી 98 ટકા થઇ ગઇ છે અને ચેનલની સફાઇ પણ 90થી 98 ટકા કામગીરી થઇ ગઇ છે. હાલ જે વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરી બાકી રહી છે એ પણ ચાલી રહી છે. આગામી ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં વોટર લોગિંગની સમસ્યા નહીંવત રહેશે. જો એકસાથે વધુ વરસાદ પડશે તો જ શહેરમાં પાણી ભરાવવાની તકલીફ ઊભી થશે. જો ધીરે ધીરે વરસાદ પડતો રહેશે તો આ વખતે વોટર લોગિંગની સમસ્યા રહેશે નહીં.


વિશ્વામિત્રી નદીમાં દબાણો ઊભાં કરાયાં છે


વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે 6 જૂને પ્રી-મોન્સૂન કામગીરી પૂરી થવી જોઇએ. કોર્પોરેશન દ્વારા ઠેર-ઠેર ખાડાઓ ખોદેલા છે. હજુ પણ 30થી 40 ટકા હજુ વિસ્તાર એવા છે, જ્યાં પ્રી-મોન્સૂન કામગીરી બાકી છે. વડોદરા શહેરમાં બે ઇંચ વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રી નદી અને કાંસ ખાલી હોવા છતાં વરસાદી પાણી ભરાઈ જાય છે. નદી અને કાંસ સુધી પાણી પહોંચતા નથી. સ્ટોમ વોટર ડ્રેન બનાવ્યા છે. તેની ડિઝાઇન ફોલ્ટી છે અથવા તો એની સફાઇ થતી નથી. આ ઉપરાંત વરસાદી કાંસ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં પાણીનો નિકાલ થતો નથી. કુદરતી પાણીના નિકાલ માટે જે નાડિયા રસ્તા હતા એના પર ગેરકાયદે બાંધકામ થઇ ગયાં છે. વિશ્વામિત્રી નદીનાં કોતરો પણ પુરાઈ ગયા છે. બાંધકામ થઇ ગયાં છે. આ તમામ વસ્તુ ભાજપનાં 25 વર્ષના શાસનમાં થયું છે. હોટલ્સ અને કન્સ્ટ્રક્શન સાઇટો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દબાણો કરવામાં આવ્યાં છે.


પ્રી-મોન્સૂન કામગીરી થઈ હોવાના દાવાઓ પોકળ છે


તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક જ વારમાં પડેલા વરસાદથી નાવડા ફરે એવી સ્થિતિ થઈ જાય છે અને આ વર્ષે પણ બે ઇંચ વરસાદમાં પણ વડોદરા શહેરમાં નાવડાઓ ફરશે એવી જ સ્થિતિ સર્જાશે. વડોદરામાં 97 ટકા પ્રી-મોન્સૂન કામગીરી થઇ હોવાના માત્ર પોકળ દાવાઓ છે. પ્રી-મોન્સૂન કામગીરીમાં માત્ર ગટરો, કાંસ સફાઇ કરવાની કામગીરી કરવાની હોતી નથી. હોર્ડિંગ્સો પણ દૂર કરવાનાં હોય છે. વૃક્ષોનું ટ્રિમિંગ પણ કરવાનું હોય છે, પરંતુ આજે સમગ્ર શહેર હોર્ડિંગ્સોથી ઘેરાઇ ગયું છે. જો વાવાઝોડા સાથે વરસાદ આવશે તો જાનમાલને મોટું નુકસાન થશે.


ફરી ચોમાસામાં વડોદરાને ડૂબવાનો વખત આવશે


આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાના દાવા કરવામાં આવતા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થયેલી છે. હજુ પણ વરસાદી કાંસ, ગટરોની, સફાઇ થઇ નથી. હોર્ડિંગ્સો ઉતારવામાં આવ્યા નથી. વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી થઈ નથી. આ વખતે પણ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે જે ખર્ચ કરવામાં આવ્યો છે એ યોગ્ય કામગીરી ન થવાને કારણે પાણીમાં જશે. મારું માનવું છે કે કોર્પોરેશનના વહીવટકર્તાઓના પાપે આગામી ચોમાસામાં વડોદરાને ડૂબવાનો વખત આવશે.



અનેક વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરી અધૂરી છે


ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરી અધૂરી છે. સમયસર આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોમાસામાં શહેરીજનોએ હાલાકી ભોગવવા તૈયાર રહેવું પડશે. અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પ્રી-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરે એ જરૂરી છે. વડોદરાના આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટ ફરતે દર વર્ષ પાણીનો ભરાવો થાય છે. વાઘોડિયા રોડ પર ઠેર-ઠેર પાણીનો ભરાવો થવાની સાથે ગંદકીના ઢગલા જોવા મળે છે. ગાજરાવાડી વિસ્તારમાં દર વર્ષે પાણીનો ભરાવો થવાની સાથે રસ્તો ધોવાઇ જાય છે. કારેલીબાગ અને ગેંડા સર્કલ સહિતના વિસ્તારોમાં નજીવા વરસાદમાં ફૂટપાથ પાણીમાં ગરકાવ થઈ જાય છે. મેઘરાજા મન મૂકી વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ફરી વળે છે. ગરનાળામાં વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે.





પાણી ભરાવાનો પ્રશ્ન હલ થયો નથી


ઘણાં વર્ષોથી પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ જ નજીવા વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાવાનો પ્રશ્ન હલ થતો નથી. રાજસ્થંભ સોસાયટીના લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતાં વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યા વડોદરા શહેરમાં વર્ષોથી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ આજ દિવસ સુધી આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શક્યા નથી. તો બીજી તરફ ચોમાસું માથે બેઠું છે ત્યારે 90 ટકા પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરીને સબ સલામત હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે, જોકે આ વર્ષે પણ વડોદરા શહેરમાં નજીવા વરસાદે પણ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળશે. પરિણામે, શહેરીજનોને પોતાની જાતને બચાવવા માટે ચોમાસાની ઋતુમાં સાચવીને જ નીકળવું પડશે.




0 Response to "વડોદરા ફરી પૂરમાં ડૂબશે? ચોમાસું માથે છતાં પ્રી-મોન્સૂન કામગીરી હજુ અધૂરી રહેતાં 8 કરોડ પાણીમાં જશે, પાલિકાના પાપે વર્ષોથી પૂરનું સંકટ યથાવત્"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel