અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જીમ, સ્વિમિંગ સહિત વિવિધ એક્ટિવિટીની ફીમાં બે ગણા વધારાની દરખાસ્ત
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જીમ, સ્વિમિંગ સહિત વિવિધ એક્ટિવિટીની ફીમાં બે ગણા વધારાની દરખાસ્ત
દરેક રમતોની ફીમાં બે ગણો વધારો
દરેક રમતો માટે જે ચાર્જ લેવામાં આવે છે તેની ફીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ્નેશિયમમાં સૌથી વધુ ફી વધારો કરવામાં આવ્યો છે. ખાનગી જીમમાં જેટલી ફી હોય છે તેટલી નક્કી કરવામાં આવી છે. જીમમાં એક મહિનાની ફી 300 રૂપિયા હતી તેની જગ્યાએ 600 રૂપિયા કરી દેવામાં આવી છે, ત્રણ મહિનાની ફી 450 રૂપિયા હતી તેની જગ્યાએ સીધી 1800 રૂપિયા, 6-મહિનાની ફી 900ની જગ્યાએ સીધી 3600, તેમજ વાર્ષિક ફી 1500ની જગ્યાએ સીધી 6000 ફી કરી દીધી છે.
પાર્ટીપ્લોટના ભાડામાં રૂ.15000નો વધારો
નવા ભાવ વધારા મુજબ સભ્ય ફોર્મના અત્યારે 25 રૂપિયા છે, જેમાં વધારો કરી અને 30 રૂપિયા નક્કી કરવા આવી છે. પાર્ટીપ્લોટનું ભાડું 20,000 રૂપિયા અને 10000 રૂપિયા ડીપોઝીટ હતી તેની જગ્યાએ તેમાં વધારો કરી અને 35,000 રૂપિયા ભાડું અને રૂ. 10,000 ડિપોઝિટ કરી દેવામાં આવી છે. સભ્ય ફીમાં વિદ્યાર્થીઓને 50 ટકા કન્સેશન આપવામાં આવે છે જેમાં ઘટાડો કરી હવે 30 ટકા જ આપવામાં આવશે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ પાસનો 25 રૂપિયા ભાવ હતો તેનો વધારીને હવે એક્ટિવિટી માટે ડબલ કરી અને 50 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ અને જિમ માટે ગેસ્ટ પાસ હવેથી બનાવી આપવામાં આવશે નહીં.
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 2000 સભ્યો
રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુભાઈ દવેએ દરખાસ્ત મંજૂરી બાદ જણાવ્યું હતું કે, રિક્રિએશનલ કમિટીમાં મેમ્કો વિસ્તારમાં આવેલા વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જે વિવિધ એક્ટિવિટી અને રમતો માટે ચાર્જ લેવામાં આવે છે, જેમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. આશરે 37000 ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં આધુનિક કક્ષાનું વીર સાવરકર રમત ગમત સંકુલ વર્ષ 2010માં શરૂ થયું હતું. હાલમાં 2000 જેટલા સભ્યો છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓપરેશન્સ તથા મેઇન્ટનન્સ તથા સિવિલ વર્કના રીપેરીંગ તથા અન્ય ખર્ચાઓમાં વધારો થયો છે.
ફી વધારા બાદ આવકમાં વાર્ષિક રૂ.9.30 લાખનો વધારો થશે
વર્ષ 2021-22માં રૂ. 43 લાખના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. તે સિવાય ફુટબોલ ગ્રાઉન્ડના નવીનીકરણ માટે પણ ખર્ચ થયો હતો. જેની સામે રૂ. 27.90 લાખ આવક થઈ છે. જેથી આવક સામે ખર્ચમાં વધારો થયો હોવાથી ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેનાથી રૂ. 9.30 લાખની વાર્ષિક આવકમાં વધારો થશે.
0 Response to "અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જીમ, સ્વિમિંગ સહિત વિવિધ એક્ટિવિટીની ફીમાં બે ગણા વધારાની દરખાસ્ત"
ટિપ્પણી પોસ્ટ કરો