વનરાજોનું વેકેશન ગીરનારના ખોળે આવેલા વિલિંગડન ડેમના કિનારે સિંહ પરીવારના ધામા, એક સાથે આઠ સિંહો આરામ ફરમાવતા જોવા મળ્યા
વનરાજોનું વેકેશનગીરનારના ખોળે આવેલા વિલિંગડન ડેમના કિનારે સિંહ પરીવારના ધામા, એક સાથે આઠ સિંહો આરામ ફરમાવતા જોવા મળ્યા
ગીરનાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં સિંહ, દીપડા સહીત વન્ય પ્રાણીઓનો વસવાટ છે. હાલ પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ગીર જંગલ વિસ્તારમાંથી વહેતા મોટા ભાગના નદી-નાળાઓ સુકાઈ ગયા છે. જેના કારણે પાણી માટે સિંહ સહિતના વન્યપ્રાણીઓ પાણી વાળા વિસ્તારો તથા માનવ વસાહતો સુધી પહોંચી રહ્યા છે. આવી જ રીતે ગઈકાલે સાંજે જૂનાગઢમાં ગીરનારની ગોદમાં આવેલા વિલિંગડન ડેમ સાઈટ પર એક સાથે આઠ-આઠ સિંહોનું ટોળુ આરામ ફરમાવતું કેમરામાં કેદ થયું છે. સિંહના ટોળાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરીજનો સિંહોના ટોળાને નિહાળવા ડેમ સાઈટ ઉપર ઉમટી પડ્યા હતા.
કુદરતી પાણીના સ્ત્રોતો ખાલી ખમ થઈ ગયા
જૂનાગઢમાં ગીરનાર સેન્ચ્યુરી વિસ્તારમાં 50થી વધુ સિંહોનો કાયમી વસવાટ છે. આ ઉપરાંત દીપડા સહિતના નાના-મોટા પ્રાણીઓ અને પક્ષીઓનો પણ વસવાટ છે. આ વન્યજીવો અહી ગીરનાર અને બાજુમાં આવેલા દાતારના ડુંગરમાં આવેલા જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે. હાલ ચોમાસાનું આગમન થવાનો માહોલ બંધાઈ રહ્યો છે, પરંતુ ચાલુ વર્ષે પડી રહેલી ગરમી અને અસહ્ય તાપ-બફારાના લીધે હાલ જંગલમાંથી પસાર થતા નદી-નાળા સહિતના તમામ કુદરતી પાણીના સ્ત્રોતો ખાલી ખમ થઈ ગયા છે. જેના કારણે વન્ય જીવો પાણી માટે ભટકતા જોવા મળે છે.
3 સિંહબાળ સહીત 8 સિંહોનું ટોળુ
ગઈકાલે આજે સાંજે એકી સાથે 3 સિંહબાળ સહીત 8 સિંહોનું ટોળુ દાતાર ડુંગર પરથી નીચે આવેલા વિલિંગડન ડેમની સાઈટ ઉપર જોવા મળ્યુ હતુ. ડેમના કાંઠે ભરેલા ડેમના પાણી પાસે ઠંડક અનુભવતા આ સિંહોએ એક સાથે એક જ સ્થળએ મુકામ કરીને આરામ કરી રહેલા જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આ વાત શહેરમાં પ્રસરી જતા લોકો સિંહોના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આમ લોકોએ નિઃશુલ્ક અદભુત સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. બાદમાં વન વિભાગના સ્ટાફે સ્થળ પર આવીને સિંહોને ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા જાળવવા ખડેપગે રહ્યા હતા.

0 Response to "વનરાજોનું વેકેશન ગીરનારના ખોળે આવેલા વિલિંગડન ડેમના કિનારે સિંહ પરીવારના ધામા, એક સાથે આઠ સિંહો આરામ ફરમાવતા જોવા મળ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો