ટુંક સમયમાં CM 19 જેટલા નવા નિર્ણયો જાહેર કરશે અને 500 જેટલા બોગસ ખેડૂતોને નોટિસ અપાશે
ટુંક સમયમાં CM 19 જેટલા નવા નિર્ણયો જાહેર કરશે અને 500 જેટલા બોગસ ખેડૂતોને નોટિસ અપાશે
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સંકેત આપ્યો કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિકટ ભવિષ્યમાં પ્રજાલક્ષી 19 જેટલા મહત્વના નિર્ણયો જાહેર કરશે અને મહેસૂલ વિભાગ 500 જેટલા શંકાસ્પદ બોગસ ખેડૂતોને નિયમાનુસાર નોટિસ ફટકારશે.
વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ સરકારે પ્રજાના હિતાર્થે કરેલા કલ્યાણલક્ષી કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપીને વિશાળ જન સમુદાયને કલ્યાણ યોજનાઓના લાભો લેવા માટે પ્રેરિત કરવાનો હતો.
દેશના વિકાસમાં ગુજરાતનો બહુ મોટો ફાળો છેઃ મેયર
પ્રાસંગિક સંબોધનમાં વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ગુજરાતના વિકાસનો બહુ મોટો ફાળો છે તથા મા કાર્ડ દ્વારા લોકોના આરોગ્યની સંભાળ લેવામાં ભારત દેશે વિશ્વના વિક્રમ સર્જ્યો છે.
કોરોના કાળમાં ખુબજ કુશળ નેતૃત્વ પૂરું પાડ્યુંઃમહેસૂલ મંત્રી
અમારી સરકાર સર્વ સ્તરે કાયદા અને નિયમો,જોગવાઈઓને સરળ અને પારદર્શક બનાવીને લોકોને સુવિધા આપવા માટે સંકલ્પબદ્ધ છે, સૌનો સાથ સૌનો વિકાસ સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે તેમ જણાવતાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વલસાડ પાસેના પહાડી વિસ્તારમાં 200 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિના માધ્યમથી પાણી પહોંચાડાયું છે. તેમજ કોરોના કાળમાં ખુબજ કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું છે.
કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જણાવી
તેમણે કહ્યું હતું કે, આશરે 70 હજાર લોકોને વિવિધ યોજનાકીય લાભો,જરૂરી પ્રમાણપત્રો, દાખલાઓ ઝડપ અને સરળતા થી પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકારના વરસાદી પાણીના સંગ્રહ માટેના વિશાળ અભિયાન અને તેના સારા પરિણામોની જાણકારી આપી હતી તથા કેન્દ્ર સરકારની યોજનાકીય સિદ્ધિઓ જણાવી હતી.
વિવિધ યોજનાઓની કીટનું વિતરણ કરાયું
વિશેષ રીતે આ કાર્યક્રમમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અફોર્ડેબલ હાઉસિંગ, આયુષ્માન કાર્ડ, પીએમ સ્વનિધી યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના તથા પોષણ કીટ એનાયત કરવામાં આવ્યા હતાં.

0 Response to "ટુંક સમયમાં CM 19 જેટલા નવા નિર્ણયો જાહેર કરશે અને 500 જેટલા બોગસ ખેડૂતોને નોટિસ અપાશે"
ટિપ્પણી પોસ્ટ કરો