વડોદરામાં PM મોદીના કાર્યક્રમ સ્થળ પાસે રસ્તા પર દોડતી ગાયે કાર પર કૂદકો માર્યો, બોનેટનો ખુરદો બોલી ગયો
વડોદરામાં PM મોદીના કાર્યક્રમ સ્થળ પાસે રસ્તા પર દોડતી ગાયે કાર પર કૂદકો માર્યો, બોનેટનો ખુરદો બોલી ગયો
વડોદરા શહેરમાં રખડતા ઢોર રોજેરોજ આતંક મચાવી રહ્યા છે. પાલિકા તંત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે, ત્યારે વડાપ્રધાન મોદીના સભા સ્થળથી માંડ એક કિ.મી. દૂર વાઘોડિયા રોડ ઉપર અચાનક રોડ ઉપર દોડી આવેલી ગાય કાર સાથે અથડાઈ હતી. સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલા અકસ્માતના CCTV ફૂટેજમાં બેફામ દોડી આવેલી ગાય કાર સાથે ભટકાતા કારનો ખુરદો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા બે લોકો ઇજા પણ થઈ હતી.
કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલી ગયા
વડાપ્રધાન મોદીની સભા જ્યાં છે એ લેપ્રસી મેદાનથી માંડ એક કિ.મી. દૂર વાઘોડિયા રોડના પ્રભુનગરથી વર્ષા સોસાયટી જવાના માર્ગ ઉપર ક્રિષ્ના પાર્ક સોસાયટીના ટીપી રોડ પર આ ઘટના ઘટી હતી. ગાય એટલા જોરથી ભટકાઈ હતી કે, કારનું બોનેટ તૂટી ગયું હતું અને આગળના બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલી ગયા હતા. બુધવારે બપોરે થયેલા ધડાકાભેર અકસ્માતથી રહીશો પણ દોડી આવ્યા હતા. કાર ચાલક અને સાથીને ઈજા થતાં થોડી વાર બાદ તેઓ કારની બહાર આવ્યા હતા. વીડિયો વાઇરલ થતાં લોકોએ પાલિકા તંત્ર રખડતા ઢોરના મામલે નિષ્ફળ ગયું હોવાનું પણ કૉમેન્ટમાં લખ્યું હતું.
રખડતા ઢોરોએ 1 મહિનામાં 10થી વધુ લોકોને અડફેટે લીધા
નોંધનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં રખડતાં ઢોરની અડફેટે 10થી વધુ લોકોને ઇજાઓ થઇ છે. આ બનાવો બાદ સમગ્ર શહેરમાંથી શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાટીલે મેયરને ટકોર કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 15 દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં કહીને ગયા હતા કે, વડોદરામાં રખડતા ઢોર અંગે મેયર કેયુર રોકડિયાને ફરી વાર ટકોર કરી છે અને રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરીવાર જોર પકડે તેમ જણાવ્યું છે. જોકે, તેમ છતાં રખડતા ઢોરના હુમલાઓ વધી રહ્યા છે.
રખડતી ગાયોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, સ્માર્ટ સિટીની વાતો કરતા ભાજપ શાસકો વર્ષોથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે,પરંતુ તેનો કોઇ અમલ થતો નથી.

0 Response to "વડોદરામાં PM મોદીના કાર્યક્રમ સ્થળ પાસે રસ્તા પર દોડતી ગાયે કાર પર કૂદકો માર્યો, બોનેટનો ખુરદો બોલી ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો