કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ હાર્ટ અટેકનું જોખમ
કોરોના વાઈરસનું સંક્રમણ તમારા શરીરના ઘણા અંગ પ્રભાવિત કરી શકે છે. તમારાં શ્વસન તંત્ર સાથે કોરોના હૃદય પર પણ અટેક કરી શકે છે. અમેરિકામાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. રિસર્ચ પ્રમાણે કોરોનાથી રિકવર થયેલાં દર્દીઓમાં હાર્ટ અટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ રહે છે. લક્ષણો ન હોય તેવા લોકોને પણ આવી બીમારીનું જોખમ રહે છે.
વૉશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમિત 1 લાખ 53 હજાર 760 લોકોના સ્વાસ્થ્યનું એનાલિસિસ 1 વર્ષ સુધી કર્યું. આ ડેટાના સરખામણી કોરોના ન થયો હોય તેવા 56 લાખ લોકો સાથે કરવામાં આવી.
વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે કોરોના સંક્રમણ થયાના 30 દિવસની અંદર રિકવર થઈ ગયેલા લોકોને હાર્ટ સ્ટ્રોકનું જોખમ 1.5ગણું છે. હાર્ટ અટેકનું જોખમ 1.6ગણું અને હાર્ટ ફેલ્યોરનું જોખમ 1.7ગણું છે. આ સિવાય ધબકારાં અનિયમિત થવાનું જોખમ 1.6ગણું છે. આટલું જ નહિ રિકવર થયેલાં દર્દીઓને હૃદયમાં સોજા આવવાનું જોખમ બમણું હોઈ શકે છે.
કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં ડીપ વેન થ્રોમ્બોસિસનું જોખમ બમણું હોય છે. આ કન્ડિશનમાં વ્યક્તિના શરીરમાં લોહીની ગાંઠો બની જાય છે.
દરેક વયના લોકોને જોખમ
આ એવું પ્રથમ રિસર્ચ છે જેમાં કોરોના દર્દીઓને રિકવરી પછી કેટલું જોખમ છે તે જણાવાયું છે. રિસર્ચમાં હાર્ટ સંબંધિત જોખમ તમામ ઉંમર અને જાતિના લોકોમાં એકસમાન જોવા મળ્યું. ડાયાબિટીસ, મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટેરોલ અને કિડનીની બીમારીથી પીડિત લોકોમાં કોરોના રિકવરી પછી હૃદય સંબંધિત બીમારીનું જોખમ એકસરખું જોવા મળ્યું.
રિસર્ચ પ્રમાણે, જો તમને કોરોના થયો હોય તો તમને હંમેશાં હૃદય સંબંધિત બીમારીનું જોખમ રહે છે. આ જોખમ કેટલું હશે તે સંક્રમણની ગંભીરતા પર આધાર રાખે છે. જો તમે ICUમાં દાખલ થયા હશો તો તમને આ બીમારીનું જોખમ સૌથી વધારે રહેશે.
કોરોનાથી હૃદયને જોખમ શા માટે?
કોરોના થયા પછી હૃદયનું જોખમ શા માટે વધી જાય છે તેનું વૈજ્ઞાનિક કોઈ ચોક્કસ કારણ શોધી શક્યા નથી. તેમના મત પ્રમાણે વાઈરસ હૃદયની માંસપેશીઓની કોશિકાઓને ડેમેજ કરે છે. આ સિવાય ઈમ્યુન સિસ્ટમ વધારે એક્ટિવ થઈ જવાથી અને હૃદયમાં સોજો આવવાથી સમસ્યા રહે છે.
0 Response to "કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ હાર્ટ અટેકનું જોખમ"
ટિપ્પણી પોસ્ટ કરો