વિશ્વ ચકલી દિવસ: વીરપુરના દંપતીનો સેવાયજ્ઞ, 7 વર્ષમાં 40 લાખના સ્વખર્ચે 4 લાખથી વધુ ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કર્યું
વિશ્વ ચકલી દિવસ:વીરપુરના દંપતીનો સેવાયજ્ઞ, 7 વર્ષમાં 40 લાખના સ્વખર્ચે 4 લાખથી વધુ ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કર્યું
આજે વિશ્વ ચકલી દિવસ છે, અનેક સંસ્થાઓ તેમજ પક્ષી પ્રેમીઓ ચકલી બચાવો અભિયાન પણ ચલાવી રહ્યા છે. ત્યારે મૂળ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના વતની અને હાલ યાત્રાધામ વીરપુરના દંપતીએ ચકલીઓ અને પર્યાવરણને બચાવવા છેલ્લા સાત વર્ષથી માળા વિતરણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ચાર લાખથી પણ વધુ માળાનું વિતરણ કરી ચૂક્યા છે અને આ વર્ષે 50 હજારનો માળા વિતરણનો આંક પાર કરવાનો નિર્ધાર કર્યો છે, એ પણ નિશુલ્ક અને એકપણ વ્યક્તિ પાસેથી કોઇ જાતનો ફંડફાળો કર્યા વગર. અત્યારસુધીમાં દંપતી પોતાના 35થી 40 લાખનો ખર્ચ કરી ચૂક્યું છે.
મૂળ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના અને હાલ વીરપુરમાં રહેતા અને લોક વૈદ્યનો વ્યવસાય કરતા સંજયભાઈ સુખડિયા અને તેની પત્ની સોનલબેન સુખડિયા દ્વારા સમાજને નવી રાહ ચીંધતું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષમાં એકવાર આવતો વિશ્વ ચકલી દિવસ તેઓના માટે તો અનન્ય છે પરંતુ વર્ષના દરેક દિવસને તે ચકલી દિવસ જ માની રહ્યા છે. અત્યારસુધીમાં લાખો ચકલીના માળાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેઓએ કાર ખરીદી છે અને રસ્તા પર આવન-જાવન વેળાએ લોકોને પર્યાવરણનો સંદેશો મળી રહે તે માટે સુખડીયા દંપતીએ પોતાની કાર પર જ પર્યાવરણના ચિત્રો દોર્યા છે. ખાસ કરીને ચકલીઓના જીવનને દર્શાવતા તમામ ચિત્રો આવરી લેવામાં આવ્યા છે.
ગોંડલના સુલતાનપુરમાં અનોખી ઉજવણી
ગોંડલના સુલતાનપુર ગામે વિરા ગ્રુપ અને શ્રી કન્યાશાળા દ્વારા વિશ્વ ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુલતાનપુર કન્યા શાળાના પટાંગણમાં વેસ્ટ વસ્તુમાંથી ચકલીના અવનવા ડિઝાઇનના માળાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ પક્ષીના માળાથી વિધાનસભા ગૃહ, સેવ બર્ડ, જય જવાન જય કિશાન, મેડ ઈન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા તેમજ ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. લોકોને પક્ષી બચાવો અભિયાનનો એક સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો. લુપ્ત થતી ચકલીને કેમ બચાવવી તેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ વિશ્વ ચકલી દિન નિમિતે 5600 ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
0 Response to "વિશ્વ ચકલી દિવસ: વીરપુરના દંપતીનો સેવાયજ્ઞ, 7 વર્ષમાં 40 લાખના સ્વખર્ચે 4 લાખથી વધુ ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો