આવા સાચા ગુરૂ તો ગોત્યા ન મળે વિદ્યાર્થીઓની ભૂલ માટે સુરતમાં શિક્ષકે પોતાને કરી સજા.
આવા સાચા ગુરૂ તો ગોત્યા ન મળે વિદ્યાર્થીઓની ભૂલ માટે સુરતમાં શિક્ષકે પોતાને કરી સજા.
- વિદ્યાકુંજ શાળાના આચાર્યની અનોખી રીત
- વિદ્યાર્થીઓને ભૂલ સમજાવવા પોતાને કરી સજા
- આચાર્ય 14 દિવસ સુધી બુટ ચંપલ પહેર્યા વિના રહ્યા
શાળા અને શિક્ષક. આ બંને આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવામાં શિક્ષકનો ફાળો અગત્યનો હોય છે. કારણ કે બાળક શાળામાંથી જ જીવનના પાઠ શીખે છે. મા બાપ જેવા સંસ્કાર આપે તેવુ બાળક વર્તન કરે. અને શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષક જે શીખવે તેની પરથી બાળકની કારકિર્દી ઘડાય. ત્યારે સુરતમાં એક એવી ઘટના બની કે તમે કહી ઉઠશો કે ખરેખર, નમન છે આ ગુરુને, જો આવા ગુરુ દરેક વિદ્યાર્થીઓને મળી જાય તો વિદ્યાર્થીની જિંદગી સુધરી જાય.
વિદ્યાર્થીઓના ભૂલની સજા આચાર્યએ ભોગવી
શાળામાં વિદ્યાર્થીઓ કંઇ ભૂલ કરે અથવા તો કોઇ નાની અમથી વાત પર વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર માર્યાના બનાવો સામે આવે છે. પછી તે બાળક નાનુ હોય કે માધ્યમિક ધોરણમાં ભણતુ કેમ ન હોય ? ઘણી વખત શિક્ષકોની આવી ક્રૂર હરકતને લીધે વિદ્યાર્થીને હોસ્પિટલ ભેગો કરવાનો વારો આવે છે. ત્યારે સુરતના આચાર્યના આ નવીનત્તમ અભિગમે એક નવુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. વાત જાણે એમ હતી કે સુરતના અડાજણની વિદ્યાકુંજ શાળામાં કેટલાક તોફાની વિદ્યાર્થીઓએ શાળાના વૉશરુમમાં તોડફોડ કરી. પાછું કોઇ વિદ્યાર્થી પોતાની ભૂલ માને ખરા ? તો શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ પોતે પોતાની ભૂલ કબૂલ કરે તે માટે નવો કિમીયો અજમાવ્યો.
આખરે વિદ્યાર્થીઓનું દિલ પીગળ્યું
વિદ્યાકુંજ શાળાના આચાર્ય મહેશ પટેલે વિદ્યાર્થીઓને પોતાની ભૂલનો અહેસાસ કરાવવા માટે પોતાને જ સજા આપી. શાળામાં આ ઘટના બાદ આચાર્ય મહેશ પટેલે જાહેરાત કરી કે તેઓ બુટ ચંપલ નહી પહેરે. આવી હરકત બદલ વિદ્યાર્થીઓને ભૂલનો અહેસાસ કરાવવા આચાર્ય છેલ્લા 14 દિવસ સુધી બુટ ચંપલ પહેર્યા વિના રહ્યા. તેઓ FRCમાં પણ સભ્ય હોવાથી ગાંધીનગર પણ બુટ ચંપલ પહેર્યા વિના જ જતા.આવુ સતત ચાલતુ રહ્યું. આકરા તાપમાં ચંપલ વિના આચાર્યને ફરતા જોઇને આખરે વિદ્યાર્થીઓનું દિલ પીગળ્યુ . જે વિદ્યાર્થીઓએ વૉશરૂમમાં તોડફોડ કરી હતી તે વિદ્યાર્થીઓએ સામે ચાલીને પોતાની ભૂલની કબૂલાત કરી અને માફી પણ માગી.
આચાર્યની ગાંધીગીરી ફળી
વિદ્યાકુંજ શાળાના શિક્ષકની જેમ અન્ય શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ બોધપાઠ લેવાની જરુર છે. બાળકને શારિરીક સજા કર્યા વિના પણ તેને પોતાની ભૂલનો અહેસાસ કરી શકાય છે કે આચાર્ય મહેશ પટેલે સાબિત કરી બતાવ્યું છે.અહિંસક રીતે પોતાની વાતને સત્યાગ્રહરુપે રજૂ કરવાનો આ પ્રયાસ ખરેખર ગાંધીગીરીની યાદ અપાવી ગયો.
0 Response to " આવા સાચા ગુરૂ તો ગોત્યા ન મળે વિદ્યાર્થીઓની ભૂલ માટે સુરતમાં શિક્ષકે પોતાને કરી સજા."
ટિપ્પણી પોસ્ટ કરો