જસદણ શહેરની મેઈન બજારમાં હોળીના દિવસે જ ગટરની ‘હોળી’ સર્જાઈ, લોકોને ચાલવું મુશ્કેલ બન્યું
જસદણ શહેરની મેઈન બજારમાં હોળીના દિવસે જ ગટરની ‘હોળી’ સર્જાઈ, લોકોને ચાલવું મુશ્કેલ બન્યું
જસદણની મેઈન બજારમાં આવેલ ડીએસવીકે હાઈસ્કૂલ સામે જ ગટરના ગંદા પાણીની રેલમછેલ થતા સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ રોડ જસદણની મેઈન બજારમાં પ્રવેશ કરવાનો મુખ્ય રોડ હોવાથી હોળીના દિવસે હજારો લોકોની અહીંથી અવરજવર થઈ રહી હતી. વધુમાં આ ગટર ઉભરાઈને તેના ગંદા પાણી રોડ પર ફરી વળતા રાહદારીઓને નાછૂટકે મોઢે રૂમાલ બાંધીને પસાર થવું પડી રહ્યું હતું.
વારંવાર આ સમસ્યા સર્જાતી હોવા છતાંય આજદીન સુધી જસદણ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા જાગૃત નગરજનોમાં નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની કામગીરી સામે ફિટકાર વરસી રહ્યો છે. જસદણ નગરપાલિકા તંત્રના અધિકારીઓ અને સત્તાધિશો પણ આ રોડ પરથી જતા-આવતા હોવા છતાંય તેઓ પણ ગટરો ઉભરાવવાની આ સમસ્યા પ્રત્યે બેધ્યાન છે. આ અંગે અનેકવાર નગરપાલિકાના જવાબદારોને રજૂઆતો કરાઈ છે છતાંય ધ્યાન અપાતું નથી.
ત્યારે હોળીના દિવસે જ ફરી ગટર ઉભરાવાની હોળી સર્જાતા હજારો લોકોમાં નગરપાલિકા તંત્રની બેદરકારીભરી કામગીરી સામે નારાજગી ઉઠવા પામી હતી. જોકે બાદમાં જસદણ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સુપરવાઈઝર જીવણભાઈ બારૈયા સહિતના ભર બપોરે હજારો લોકોની અવરજવર વચ્ચે જેટીંગ મશીન લઈને ત્વરિત ગટર સફાઈની કામગીરી કરી પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ કરી આપ્યો હતો. જેથી જસદણ નગરપાલિકાના કહેવાતા સત્તાધીશો અને નીંભર અધિકારીઓ દ્વારા તાકીદે આ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાને હલ કરવાની કામગીરી કરવામાં આવે તેવું જસદણના જાગૃત નગરજનો ઈચ્છી રહ્યા છે.
0 Response to "જસદણ શહેરની મેઈન બજારમાં હોળીના દિવસે જ ગટરની ‘હોળી’ સર્જાઈ, લોકોને ચાલવું મુશ્કેલ બન્યું"
ટિપ્પણી પોસ્ટ કરો