સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગ:સિનિયરે બે જુ.રેસિડેન્ટ ડોક્ટરને અડધો કલાક દોડાવ્યા, ડીને તપાસના આદેશ આપ્યા
સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેરમાં રેગિંગની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક દોડાવ્યા હતા. આ અંગેનો વીડિયો ડીન અને એચઓડીએ જોતાં તપાસ શરૂ કરી હતી. બીજીતરફ સિનિયર રેસિડન્ટ ડોક્ટરે ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.
સિનિયર ડોક્ટરે ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્મીમેરના કેઝ્યુલિટી વિભાગની બહાર શનિવારે રાત્રે 10થી 11 વચ્ચે આ ઘટના બની હતી. જેમાં એક ડોક્ટર કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસબારી અને ત્યાંથી પહેલા માળ સુધી અડધો કલાક દોડી રહ્યો હતો. જોકે, આશ્ચર્ય વચ્ચે સિનિયર ડોક્ટરે આને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવ્યું હતું. કોલેજના ડીન ડો દીપક હોવલેએ કહ્યું હતું કે આ ખોટું છે. આ મામલે ઈન્કવાયરી કરાશે.
સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાની ચર્ચા
વાઈરલ થયેલા વીડિયોને જોઈને અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટરને સારવાર માટે આવેલા દર્દી, તેમના સંબંધી તેમજ સ્ટાફ સામે અપમાનિત કરી રહ્યા હતા. આર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરતા હતા. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ત્રણ સિનિયર ડોક્ટરોએ રેગિંગ કર્યું હોવાની ચર્ચા
આ રીતની સજા કરનાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો. જ્યારે બીજી તરફ સ્મીમેરના આ ત્રણ સિનિયર ડોક્ટરોએ બે જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હોવાથી સ્મીમેર ખાતે ચકચાર મચી ગઈ હતી.

0 Response to "સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગ:સિનિયરે બે જુ.રેસિડેન્ટ ડોક્ટરને અડધો કલાક દોડાવ્યા, ડીને તપાસના આદેશ આપ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો