હિજાબ વિવાદ વકર્યો, વિદ્યાર્થિનીઓનો કોલેજ-પરીક્ષાનો બહિષ્કાર; હિજાબ પહેરવાની જીદ અયોગ્યઃ ડૉ. નારાયણ
કર્ણાટક હાઈકોર્ટના આદેશ પછી પણ હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોર્ટ દ્વારા ક્લાસરૂમમાં હિજાબ પર રોક લગાવવાના ચુકાદાના એક દિવસ પછી બુધવારે સ્કૂલ-કોલેજો ખૂલી. જોકે, અરજી કરનારી છ વિદ્યાર્થિની સહિત કેટલાક યુવાનોએ કોલેજ-પરીક્ષાનો બહિષ્કાર શરૂ કર્યો. બીજી તરફ, મુસ્લિમ સંગઠનોએ મૌન વિરોધ કર્યો.
દક્ષિણ કન્નડ સહિત અનેક જિલ્લામાં મુસ્લિમોએ વેપાર-ધંધા બંધ રાખ્યા. કેટલાંક મુસ્લિમ સંગઠનોએ તો ગુરુવારે કર્ણાટક બંધની પણ અપીલ કરી છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી ડૉ. સી.એન. નારાયણે પણ કહ્યું કે, આપણે સમજવું પડશે કે આપણે પહેલા ભારતીય અને કન્નડ છીએ. એટલે હિજાબ પહેરવાની જીદ યોગ્ય નથી. ઉડુપી, ચિકમંગલુર, શિવમોગા સહિત કેટલાંક અન્ય સ્થળે પણ વિરોધ-દેખાવો થયા. ઉત્તર કન્નડ જિલ્લામાં મુસ્લિમ બહુમતી વિસ્તાર ભટકલમાં પણ વેપાર-ધંધા બંધ રહ્યા.
વિજયનગરમાં અનેક સ્કૂલોની દીવાલો પર સ્પ્રે પેઈન્ટ કરીને લખાયું કે, ‘હિજાબ અમારી ગરિમા છે.’ બાદમાં એક કોલેજ પ્રિન્સિપાલની ફરિયાદ પોલીસે એફઆઈઆર નોંધી. બાદમાં સ્થાનિક તંત્રે આ સૂત્રો ભૂંસાવી દીધાં. આ ઉપરાંત કોર્ટનો આદેશ લાગુ કરવા મુદ્દે સ્કૂલ તંત્રમાં પણ અસમંજસ જોવા મળી.
કોર્ટે સ્કૂલ ડ્રેસની વાત કરી હતી. એટલે કેટલાક એવું અર્થઘટન કર્યું કે, આ આદેશ ફક્ત ડ્રેસકોડ લાગુ કરનારી સ્કૂલો માટે જ છે. જોકે, કોર્ટના ચુકાદામાં 5 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારના આદેશને પણ જાળવી રાખ્યો છે, જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મ ફરજિયાત કરાયો છે.
0 Response to "હિજાબ વિવાદ વકર્યો, વિદ્યાર્થિનીઓનો કોલેજ-પરીક્ષાનો બહિષ્કાર; હિજાબ પહેરવાની જીદ અયોગ્યઃ ડૉ. નારાયણ"
ટિપ્પણી પોસ્ટ કરો