vadodara : કોમર્સ ફેકલ્ટીમાં શક્તિ પ્રદર્શનની લહાયમાં પહેલા દિવસે જ ABVP-AGSGનાં જૂથ વચ્ચે મારામારી
VADODARA :
કોમર્સ ફેકલ્ટીમાં શક્તિ પ્રદર્શનની લહાયમાં પહેલા દિવસે જ ABVP-AGSGનાં જૂથ વચ્ચે મારામારી
મ.સ. યુનિ.માં વિદ્યાર્થી સંગઠનોની સૌથી મોટી વોટ બેન્ક ગણાતી કોર્મસ ફેકલ્ટીમાં એફવાય બીકોમ બે વર્ષે ઓફલાઇન શરૂ થયું છે. પ્રથમ દિવસે જ બે હજારથી વધુ વિદ્યાર્થી ઉમટી પડયા હતા. કોલેજ શરુ થતાં હવે ચૂંટણી પણ થશે તેવા ગણિત સાથે વિવિધ સંગઠનોના શક્તિ પ્રદર્શનની લ્હાયમાં જૂથ અથડામણ થઇ હતી. યુનિટ બિલ્ડિંગ પર એબીવીપી-એજીએસજી વચ્ચે મારા મારીના પગલે નાસભાગના દશ્યો સર્જાયા હતા. વિજિલન્સે સપાટો બોલાવતા વિદ્યાર્થીઓ નેતાઓ ભાગી ગયા હતા.
કોરોના કાળમાં બે વર્ષથી કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. જોકે હવે કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી ઓફલાઇન મોડથી શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ષમાં 9500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. સોમવારે એનએસયુઆઇ, એબીવીપી, એજીએસજી, એજીએસયુ જેવા સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને આવકારવા માટે વિવિધ પ્રકારના પ્રયોગો કરાયા હતા. ઢોલ નગારા સાથે સ્વાગત કરવા સહિત ફૂલ પણ અપાયા હતા. પ્રથમ દિવસે જ 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા. જેના પગલે કેમ્પસમાં બે વર્ષ પછી માહોલ જામ્યો હતો.
આજથી કડક આઇ કાર્ડ ચેકિંગ,વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો હશે તે બિલ્ડિંગમાં જ એન્ટ્રી મળશે : ડીન
મારામારીની ઘટના બાદ મંગળવારથી એફવાય બીકોમનાવિદ્યાર્થીઓનું કડક આઇકાર્ડ ચેકીંગ હાથ ધરાશે. ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વિદ્યાર્થીને જે બિલ્ડિંગમાં પ્રવેશ મળ્યો હશે ત્યાંજ પ્રવેશ આપવામાં આવશે. મેઇનના વિદ્યાર્થીઓને મેઇન પર પ્રવેશ મળશે તેવીજ રીતે યુનિટના વિદ્યાર્થીઓને યુનિટ પર,ગર્લ્સ કોલેજની વિદ્યાર્થીનીઓને ગર્લ્સ કોલેજ પર અને પાદરાના વિદ્યાર્થીઓને પાદરા જવું પડશે. પ્રથમ દિવસે અન્ય બિલ્ડિંગોના વિદ્યાર્થીઓ પણ મેઇન પર આવી ગયા હતા જેના પગલે ભારે ભીડ થઇ ગઇ હતી. હવે વિદ્યાર્થીઓને જયાં પ્રવેશ મળ્યો હશે ત્યાંજ ભણવા જવું પડશે ગમે તે બિલ્ડિંગમાં જઇ શકશે નહીં.
0 Response to "vadodara : કોમર્સ ફેકલ્ટીમાં શક્તિ પ્રદર્શનની લહાયમાં પહેલા દિવસે જ ABVP-AGSGનાં જૂથ વચ્ચે મારામારી"
ટિપ્પણી પોસ્ટ કરો