80 વર્ષ વટાવી ચૂકેલા શિક્ષકોને મળ્યા નિવૃત્તિના લાભ, ચીફ જસ્ટિસે કહ્યું, 'તેમના વિદ્યાર્થીઓ કદાચ આજે વકીલ કે જજ બની ચૂક્યા હશે'
80 વર્ષ વટાવી ચૂકેલા શિક્ષકોને મળ્યા નિવૃત્તિના લાભ, ચીફ જસ્ટિસે કહ્યું, 'તેમના વિદ્યાર્થીઓ કદાચ આજે વકીલ કે જજ બની ચૂક્યા હશે'
27 વર્ષ બાદ નિવૃત્ત થયેલ 80 વર્ષથી ઉપરની ઉંમરના શિક્ષકોને આખરે આજે ન્યાય મળ્યો. નિવૃત્ત થયેલા શિક્ષકોને પેન્શનના તફાવતની રકમ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી, સાથે જ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ વ્યાજની રકમના ચેક આપવામાં આવ્યા. આ દરમિયાન અરવિંદકુમારે લખીને એ પણ ટકોર કરી કે 'આ શિક્ષકોએ ભણાવેલ વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જજ અથવા તો વકીલ બની ચૂક્યા હશે'.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીની આકરા શબ્દોમાં ઝાટકણી બાદ અંતે નિવૃત્ત થયેલ શિક્ષકોને મળવાપાત્ર લાભની રકમ ચૂકવવામાં આવી છે. શિક્ષકોને કોર્ટ રૂમમાં વ્યાજ ચૂકવવામાં આવ્યું. ચેક મળતા જ તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. ત્યારે કોર્ટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વચ્ચે હાજર થયેલ વકીલને ટકોર કરી કે, 'તેમના ચહેરા જુઓ, આજે તેમના નીચે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ વકીલ અથવા તો જજ બની ચૂક્યા હશે.'
વર્ષ 1995 અરજદાર ત્રણ શિક્ષકો નિવૃત્ત થયા હતા. પરંતુ તેમને ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શનના લાભ આપવામાં આવ્યા ન હતા. જેથી કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. અગાઉની સુનાવણીમાં કોર્ટે નિવૃત્ત થયેલ 80 વર્ષની ઉંમર વાટવી ચૂકેલ શિક્ષકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી અને જેમ બને તેમ ઝડપથી આ શિક્ષકોને બાકી નીકળતી રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. જે બાદ ત્રણેય શિક્ષકોને મળી કુલ 33 લાખ 66 હજાર જેટલી રકમ ચૂકવવામાં આવી છે.
અગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે DPEOની ઝાટકણી કાઢતા જવાબદારી અધિકારીને સસ્પેન્ડ કરવા, ઘરે બેસાડવા કે ફરજીયાત રીટાયર કરવા, પૈકી કોઈ પણ પગલાં લેવા ટકોર કરી હતી. વર્ષ 1995માં 3 શિક્ષકો નિવૃત્ત થયા હતા. જેમાં તેમને ઉચ્ચ-પગાર ધોરણ ન મળતા વર્ષ 2015માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અંગે વર્ષ 2018માં હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં હુકમ કરતા મળવાપાત્ર લાભ આપવા હુકમ કર્યો હતો. પરંતુ તેમ છતાં આ લાભ ચૂકવવામાં ન આવતા કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરવામાં આવી હતી. જોકે હવે રકમ ચુકવાઈ જતા કન્ટેમ્પટ અરજીનો નિકાલ થયો છે.
0 Response to "80 વર્ષ વટાવી ચૂકેલા શિક્ષકોને મળ્યા નિવૃત્તિના લાભ, ચીફ જસ્ટિસે કહ્યું, 'તેમના વિદ્યાર્થીઓ કદાચ આજે વકીલ કે જજ બની ચૂક્યા હશે'"
ટિપ્પણી પોસ્ટ કરો