વડોદરા કોર્પોરેશન હસ્તકના ખુલ્લા પ્લોટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનો પ્રારંભ
વડોદરા કોર્પોરેશન હસ્તકના ખુલ્લા પ્લોટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનો પ્રારંભ
કોર્પોરેશનના પ્લોટમાં અસામાજિક તત્વો દ્વારા વારંવાર દબાણ કરી દેવાતા હોવાના કારણે ભવિષ્યમાં જ્યારે આ પ્લોટ પર કોઈ વિકાસના કામોનું આયોજન કરવું હોય અથવા તો હરાજીથી પ્લોટ વેચવા હોય ત્યારે તેની સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે. હરાજીમાં વેચાયેલો પ્લોટ કોર્પોરેશને ખાલી કરીને આપવો પડતો હોય છે. આ દરમિયાન વિવિધ વિભાગોનું સંકલન કરી પ્લોટ ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરાતી હોય છે જે પાછળ પાલિકાને આર્થિક ભારણ તથા માનવ કલાકનો સમય વેડફાતો હોય છે. કોર્પોરેશનના અનેક એવા પ્લોટ છે જેના પર દબાણ થઇ ચુક્યા છે અને હવે ઘણી જગ્યાએ દબાણો ઊભા થવાના શરૂ થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ કોર્પોરેશને આ દબાણો દુર કર્યા છે તો ક્યાંક દબાણો દૂર કરવાના બાકી છે. તમામ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેટરોને સભામાં કરેલી રજૂઆતને ધ્યાને લઇ કોર્પોરેશનના પ્લોટ પર સીસીટીવી લગાવવામાં આવશે તેવી જાહેરાત મેયર કેયુર રોકડિયાએ કરી હતી. જે અંતર્ગત ટાઉન પ્લાનિંગ વિભાગે તબક્કાવાર આઇટી વિભાગને કોર્પોરેશનના પ્લોટની યાદી સુપરત કરી છે. છેલ્લી યાદીમાં 65 પ્લોટનું લિસ્ટ સુપ્રત કરાયું છે. જેના આધારે આઇટી વિભાગે 65 પૈકી 40 પ્લોટમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી લગભગ પૂર્ણ કરી દીધી છે જ્યારે અન્ય 25 જગ્યાએ સીસીટીવી લગાવવાનો સર્વે ચાલુ ચાલી રહ્યો છે. સર્વે થયા બાદ કઈ જગ્યાએ સીસીટીવી લગાવવાના છે તે મુજબ તેના પોલ ઉભા કરાશે અને વીજ કનેક્શન માટે એમજીવીસીએલ સાથે પત્ર વ્યવહાર બાદ સીસીટીવી શરૂ થઈ જશે.
0 Response to "વડોદરા કોર્પોરેશન હસ્તકના ખુલ્લા પ્લોટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનો પ્રારંભ"
ટિપ્પણી પોસ્ટ કરો