ભરૂચના સૂર્યા કોમ્પ્લેક્ષમાં આવેલું કલરનું ગોડાઉન ભડકે બળ્યું, હલદર ગામની મહર્ષી સોસાયટીમાં સિલિન્ડરમાં લીકેજને પગલે આગ
ભરૂચના સૂર્યા કોમ્પ્લેક્ષમાં આવેલું કલરનું ગોડાઉન ભડકે બળ્યું, હલદર ગામની મહર્ષી સોસાયટીમાં સિલિન્ડરમાં લીકેજને પગલે આગ
ભરૂચ જિલ્લામાં ગઇકાલે ગુરૂવારે રાતે આગ લાગવાની બે ઘટના બની હતી. જેમાં એક કિસ્સામાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર સ્થિત સૂર્યા કોમ્પ્લેક્ષમાં આવેલ કલરના ગોડાઉનમાં આગ લાગતા કલરનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જ્યારે આગ લાગવાના અન્ય એક કિસ્સામાં ભરૂચ તાલુકાના હલદરવા ગામ પાસે આવેલી મહર્ષી સોસાયટી પાછળ ભરવાડવાસમાં સામાજિક પ્રસંગમાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર સૂર્યા કોમ્પ્લેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષમાં આવેલા નૂતન સેલ્સ કોર્પોરેશનના કલરના ગોડાઉનમાં ગઇકાલે ગુરૂવારે રાતે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે ગોડાઉનમાં રહેલો કલરનો જથ્થો ભડકે બળવા લાગ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી.
ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જીવના જોખમે ફાયરના જવાનો ગોડાઉનનો પર જવાનો માર્ગ નહિ હોવા છતાં ત્યાં પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહિ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.
ગેસના સિલિન્ડરમાં લીકેજને પગલે આગ લાગી ગતરોજ સાંજે ભરૂચ તાલુકાના હલદરવા ગામ પાસે આવેલી મહર્ષી સોસાયટી પાછળ ભરવાડવાસમાં સામાજિક પ્રસંગ ચાલી રહ્યો હતો. જે સામાજિક પ્રસંગમાં આવેલ મહેમાનો માટે રસોડામાં જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ગેસના સિલિન્ડરમાં લીકેજને પગલે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર ફાયટરોએ સ્થળ પર દોડી આવી ગેસના સિલિન્ડરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
0 Response to "ભરૂચના સૂર્યા કોમ્પ્લેક્ષમાં આવેલું કલરનું ગોડાઉન ભડકે બળ્યું, હલદર ગામની મહર્ષી સોસાયટીમાં સિલિન્ડરમાં લીકેજને પગલે આગ"
ટિપ્પણી પોસ્ટ કરો