-->
ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં દહેજ ધણધણી ઉઠ્યું, 25થી વધુ ઘાયલ, 10ની હાલત ગંભીર

ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં દહેજ ધણધણી ઉઠ્યું, 25થી વધુ ઘાયલ, 10ની હાલત ગંભીર

 

ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં દહેજ ધણધણી ઉઠ્યું, 25થી વધુ ઘાયલ, 10ની હાલત ગંભીર.




દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની છે. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી છે. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લાવવાની કવાયત હાથ ધરાઇ છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 10ની હાલત ગંભીર છે.

પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું
દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો.




ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળ ઉપર દોડી આવ્યું હતું. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.


સમયાંતરે ધડાકા થયા
6થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી. જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. જોકે, સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો.


આગનું ચોક્કસ કારણ તપાસ બાદ બહાર આવશે
હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાનિ સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. જોકે, ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. હાલ તો તમામ તંત્રની પ્રાથમિકતા દાઝેલા અને ઇજાગ્રસ્તોને હેમખેમ કાઢી સારવાર અપાવવી તેમજ આગ ઉપર કાબુ મેળવવાની રહેલી છે.


0 Response to "ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં દહેજ ધણધણી ઉઠ્યું, 25થી વધુ ઘાયલ, 10ની હાલત ગંભીર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel