100 ટન કચરાને એક ટન રાખમાં રૂપાંતરિત કરતી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ ગાંધીનગરમાં શરૂ કરાશે
100 ટન કચરાને એક ટન રાખમાં રૂપાંતરિત કરતી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ ગાંધીનગરમાં શરૂ કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ડિસ્પોઝેબલ સ્કીમ માટે આગવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અનુસાર પાટનગર અને આસપાસના વિસ્તારમાંથી એકત્ર થતા કચરાનો પોલ્યુશન ફ્રી સિસ્ટમ દ્વારા નિકાલ કરવામાં આવશે. પ્લાઝમા ટેકનોલોજીથી સંચાલિત આ સિસ્ટમને કારણે ધુમાડા અને પ્રદૂષણની સમસ્યાનું નિવારણ થવા ઉપરાંત વીજળીની પણ મહત્તમ બચત થશે.
કચરા નિકાલની સમસ્યા મનપા માટે માથાનો દુખાવો
આ અંગે ગાંધીનગર મનપા સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કચરો એકત્ર કર્યા બાદ તેના નિકાલ માટેની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે. ડમ્પીંગ સાઈટ ઉપર ઊભા થતાં પ્રશ્નો અને દુર્ગંધ સહિત પ્રદુષણના પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા માટે લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. તેમ છતાં શહેરમાંથી એકત્ર થતાં ટનબંધ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં અને પ્રદૂષણ ફેલાવા ન પામે તેની કાળજી રાખવામાં હજુ મનપા તંત્ર પૂરી રીતે સફળ થઈ શક્યું નથી. જો કે, આગામી સમયમાં આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે એવી આશા ઉજ્જવળ બની છે.
એક ખાસ પ્રકારનું મશીન લવાશે
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી આવતા કચરા ઉપરાંત ગુડા વિસ્તારના ગામડાઓમાં ઉદભવી રહેલી કચરાની સમસ્યાનો પણ યોગ્ય ઉકેલ હવે શક્ય બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેના માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ પ્રકારનું મશીન લાવવા બાબતે પુખ્ત વિચારણા ચાલી રહી છે. આ મશીનમાં એકસો ટન જેટલા કચરાનું માત્ર એક ટન જેટલી રાખમાં રૂપાંતર થઈ જશે.
પ્રદૂષણ ફેલાવાની સંભાવના નહીંવત
પ્લાઝમા ટેકનોલોજીથી સજ્જ આ મશીનમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન્યૂનતમ થાય છે. એટલું જ નહીં મશીનમાં આવશ્યક ઇંધણ માટે આસપાસના વાતાવરણમાંથી ઊર્જા મેળવીને તેનું ઇંધણમાં, મશીન પોતે જ રૂપાંતર કરી લેશે. ઉર્જા કન્વર્ટર દ્વારા ચાલનારા અદ્યતન મશીનની ગેસીફાયર સિસ્ટમને કારણે વાતાવરણમાં ધુમાડો કે પ્રદૂષણ ફેલાવાની સંભાવના નહીંવત રહેશે. આ સિસ્ટમ દ્વારા ટનબંધ કચરાનો સત્વરે નિકાલ કરવાનું સરળ રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે ઘન કચરામાં સિરામિક, કાચ અને લોખંડ જેવા પદાર્થોનો નિકાલ કરવા માટે આ મશીન સક્ષમ નથી.
પ્લાઝમા હીટ ડી-કમ્પોઝિશન ટેક્નોલોજીની વિશેષતા
આ મશિન પ્લાઝમા હીટ ડી-કમ્પોઝિશન ટેક્નોલોજીના માધ્યમથી કાર્ય કરે છે. જેમાં અંદાજે 100 ટન જેટલા ભીના કે સૂકા કચરાને એક ટન સિરામિક રાખમાં તબદીલ કરી શકાય છે. આ ટેકનોલોજીમાં લોખંડ, કાચ અને સિરામિક સિવાયના તમામ કચરાને બાળીને સિરામિક રાખમાં પરિવર્તિત કરી શકાય છે. જેના માટે અલગ-અલગ કેપેસિટીના મશીનો ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજીમાં માત્ર સ્ક્રબર અને એક્ઝહોસ્ટ સિસ્ટમ માટે જ વીજળીની જરૂર પડે છે પરંતુ કચરાને પ્રોસેસ કરવા માટે વીજળી કે અન્ય કોઈ ફ્યૂઅલની જરૂર રહેતી નથી. બધો જ કચરો મુખ્ય ચેમ્બરમાં જમા કરવામાં આવે છે અને આ ચેમ્બરમાં બહારની હવા દાખલ કરવામાં આવે છે. જે પ્લાઝમા ટેક્નોલોજીના માધ્યમથી હવામાંના ઓક્સિઝનનો જ ફ્યૂલ તરીકે ઉપયોગ કરે છે અને કચરાને સિરામિક રાખમાં પરિવર્તિત કરે છે. જે રાખનો ઉપયોગ ઈંટો બનાવવામાં, પૂરાણમાં તથા ગાર્ડન ડેવલપ કરવામાં થઈ શકે છે.
આ મશીનમાં 350 ડિગ્રી સેલ્યસિયસથી 1100 ડિગ્રી સેલ્યિસય તાપમાને કચરો પ્રોસેસ કરવામાં આવે છે. આ તાપમાન માટે પણ વીજળીની જરૂર રહેતી નથી. આ સિસ્ટમ ખુબ જ કોમ્પેક્ટ અને લો મેઇન્ટનંસવાળી છે.
ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચી શકશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભવિષ્યને ધ્યાનમાં લઈને વોર્ડ વાઈઝ યોગ્ય કેપેસિટીના મશીન લગાવવાનું વિચારી રહી છે. આ વ્યવસ્થામાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચી શકશે. આ ટેક્નોલોજીની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં પ્રોસેસ દરમિયાન નિકળતા ધૂમાડા(એમિસન)માં એકદમ નહિવત માત્રામાં પ્રદૂષણ હશે તથા આ પ્રકારની સિસ્ટમના ઉપયોગથી મોટી લેન્ડફિલ્ડ સાઇટની પણ જરૂરીયાત નહી રહે અને કચરાના પહાડો જેવા ઢગલાના કારણે પૃથ્વિ પર થતું પ્રદૂષણ અટકાવી શકાશે. આ ટેક્નોલોજીમાં ભીના કે સૂકા કચરાનું સેગ્રિગેશન કરવાની પણ જરૂરીયાત રહેતી નથી.
0 Response to "100 ટન કચરાને એક ટન રાખમાં રૂપાંતરિત કરતી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ ગાંધીનગરમાં શરૂ કરાશે"
ટિપ્પણી પોસ્ટ કરો