ઘરફોડ ચોરી કરતી યુપીની બિઝનૌર ગેંગના 3 સાગરિતો 32 લાખ સાથે ઝડપાયા, દિલ્હીથી ચોરાયેલી કારો અમદાવાદમાં દોડતી
ઘરફોડ ચોરી કરતી યુપીની બિઝનૌર ગેંગના 3 સાગરિતો 32 લાખ સાથે ઝડપાયા, દિલ્હીથી ચોરાયેલી કારો અમદાવાદમાં દોડતી
અમદાવાદ શહેરમાં થોડા દિવસ અગાઉ એક ઘરફોડ ચોરી થઈ હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને યુપીના બિઝનૌર ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 32 લાખ રોકડા કબ્જે કર્યા છે. આરોપીને પકડતા અન્ય 3 ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. હાલ 3 આરોપીની ધરપકડ કરીને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરી છે. તો ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ચોરાયેલી 3 કારો શોધી કાઢી છે અને હરિયાણાનો શખસ ગુજરાતમાં આપી ગયો હતો. તેની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે.
બિઝનૌર ગેંગે ચાંદખેડાના એક ફ્લેટમાં ચોરીને અંજામ આપ્યો
એપ્રિલ મહિનામાં ચાંદખેડાના એક ફ્લેટમાં ચોરી થઈ હતી. ચોરી યુપીની બિઝનૌર ગેંગે કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું. આરોપીઓ ચોરી કરીને નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આમીર સુહૈલ મલિક,તાઝુદ્દીન અન્સારી અને એઝાંઝ અન્સારીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 32 લાખ રોકડ, એક ગાડી સહિત 36,46,726 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બિઝનૌર ગેંગે અન્ય સભ્યોને ચોરી કરવા અમદાવાદ બોલાવ્યા
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીના અન્ય સાગરિત બાબા ડાયમંડ અને હજરતને તેઓ ચોરી કરવા અમદાવાદ બોલાવ્યા હતા. જે બાદ રામોલ અને હાટકેશ્વરમાં રૂમ રાખીને રહેતા હતા. ઓટો રિક્ષામાં બેસીને આરોપી ચાંદખેડા ફ્લેટમાં ચોરી કરવા ગયા હતા. જે 5.59 લાખના રોકડ અને દાગીના ચોરી કર્યા હતા. ચોરીની રકમમાંથી સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. તેમાં આરોપીઓ બિઝનૌર, દિલ્હી, મુંબઇ અને અજમેર ફરતા હતા. જે બાદ ગયા અઠવાડિયે આરોપીઓએ કલોલના ફ્લેટમાંથી અને સાબરમતીના એક ફ્લેટમાંથી ચોરી કરી હતી. આ ઉપરાંત દિલ્હી પણ 4 લાખની ચોરી કરી હતી. આરોપીની ધરપકડ થતાં અન્ય 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે. હજુ અન્ય 2 આરોપી ફરાર છે જેની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે.
દિલ્હીથી ચોરાયેલી કાર અમદાવાદમાં ચલાવતા 3 કારચાલકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા
દિલ્હીમાં 3 અલગ અલગ કાર ચોરી થઈ હતી. આ ચોરી થયેલી કાર અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમને શંકા જતાં ક્રાઈમ બ્રાન્ચે 3 ચાલકને કાર સાથે ઝડપ્યા હતા. ત્યારે આ કાર દિલ્હીની ચોરી થયેલી કાર હોવાનું જાણવા મળ્યું છે. આ કાર અમદાવાદ આપી જનાર વ્યક્તિની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે. અત્યારે 3 કાર ચાલકને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે દહેગામ પાસેથી બલેનો કાર સાથે ભરત પટેલ, ઓઢવ પાસેથી બલેનો કાર સાથે મહેન્દ્ર યાદવ અને ઘોડાસર પાસેથી સ્વિફ્ટ કાર સાથે મોહમંદનિયમુદ્દીન શેખની અટકાયત કરી હતી .ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, હરિયાણાનો વાજીદખાન તેમને કાર અમદાવાદ આપી ગયો હતો. પોલીસે તપાસ કરી તો ત્રણેય કાર દિલ્હીથી ચોરી થઈ હતી. ત્રણેય કાર ચોરી થવા મામલે દિલ્હીમાં ગુનો નોંધાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય કાર અને કાર ચાલકને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

0 Response to "ઘરફોડ ચોરી કરતી યુપીની બિઝનૌર ગેંગના 3 સાગરિતો 32 લાખ સાથે ઝડપાયા, દિલ્હીથી ચોરાયેલી કારો અમદાવાદમાં દોડતી"
ટિપ્પણી પોસ્ટ કરો