માધ્યમિક-ઉચ્ચતર માધ્યિકના 30 હજારથી વધુ શિક્ષકો પેન્શન સહિત પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે ફરી બાંયો ચડાવશે
માધ્યમિક-ઉચ્ચતર માધ્યિકના 30 હજારથી વધુ શિક્ષકો પેન્શન સહિત પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે ફરી બાંયો ચડાવશે
રાજ્યમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે, ત્યારે શિક્ષકો પણ હવે સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં છે. પ્રાથમિક શિક્ષકોની જેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પણ અનેક પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ છે. સામે સરકાર દ્વારા શિક્ષણ સિવાયની અનેક કામગીરી પણ સોંપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તાજેતરમાં શિક્ષકોમાં વ્યાપેલા રોષને પગલે ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો નિર્ણય કર્યો છે.
પડતર માંગને લઈને શિક્ષકોએ મૂલ્યાંકનનો બહિષ્કાર કર્યો હતો
વર્ષોથી પડતર પ્રશ્નો મામલે માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક શિક્ષકો વતી તેમના મંડળે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ સરકાર માત્ર બાંહેધરી આપીને રજૂઆત જ સાંભળે છે, તેના પર કોઈ નક્કર નિર્ણય કરતી નથી. ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ જ શિક્ષકોએ મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો, તે સમયે સરકારે તાબડતોડ બેઠક કરીને શિક્ષકોનો રોષ ઠારી આંદોલન પૂરું કરાવ્યું હતું. પરંતુ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે કોઈ નિર્ણય કર્યો નહતો.
જૂની પેન્શન યોજના મોટો પ્રશ્ન
સૌથી મોટો પ્રશ્ન જૂની પેન્શન યોજના છે, 2005માં શરૂ થયેલી નવી પેન્શન યોજાનને કારણે 1500-2000 જેટલું જ પેન્શન મળે તો નિવૃત્તિ બાદ કુટુંબનું નિર્વાહન કેવી રીતે થઈ શકે. આ ઉપરાંત શિક્ષકોની ઘટ હોવાથી કેટલીક સ્કૂલોમાં 8 એ 8 તાસ લેવા પડે છે, કેટલીક જગ્યાએ શિક્ષકોની ખૂબ અછત છે, અત્યારે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ રહી છે તો તે માટે સરકાર વિચાર કરવો જોઈએ તે બંધ થશે તો આવનાર દિવસમાં ગ્રાન્ટેડ શિક્ષક જ નહીં હોય.
શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી શિક્ષકો પાસે કરાવાય છે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો પાસે BLO ની કામગીરી કરવામાં આવે છે જેમાં સ્કૂલમાં તથા સ્કૂલની બહાર અનેક કામગીરી કરવામાં આવે છે. વસ્તી ગણતરી પણ કરાવવામાં આવે છે જે બાદ ઇલેક્શનની કામગીરી કરવામાં આવે છે, રાજકીય પક્ષો દ્વારા સરકારી કાર્યક્રમમાં શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને પણ બોલાવવવામાં આવે છે. આર્થિક સ્થિતિ નબળી થતા અનેક સર્વે કરવા મોકલવામાં આવે છે.
સરકારે પડતર પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી આપી હતી
આ અંગે ગુજરાત બોર્ડના પૂર્વ સભ્ય તથા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી જીગીશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા અનેક વર્ષોથી અમારા પડતર પ્રશ્નો છે. દર વર્ષે મિટિંગ કરે તથા સંકલન સમિતિ સાથે બેઠક કરે પરંતુ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. અમે મધ્યસ્થ મૂલ્યાંકનનો બહિષ્કાર કર્યો હતો જે બાદ શિક્ષણમંત્રી અને નાણામંત્રીએ બેઠક કરીને નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી જે હજુ સુધી નિર્ણય કરાયો નથી. અમે આવનાર દિવસમાં આ અંગે આંદોલન માટે વિચારીશું. પેન્શન યોજના માટે અલગ અલગ મંડળ ભેગા થયા છે તેમાં હજુ વધુ મંડળો ભેગા કરીશુ.
0 Response to "માધ્યમિક-ઉચ્ચતર માધ્યિકના 30 હજારથી વધુ શિક્ષકો પેન્શન સહિત પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે ફરી બાંયો ચડાવશે"
ટિપ્પણી પોસ્ટ કરો