મોંઘવારીની અસર યુનિફોર્મ સહિતની વસ્તુઓ પર 40 ટકાના ભાવવધારાથી વાલીઓનું બજેટ ખોરવાયું
મોંઘવારીની અસર યુનિફોર્મ સહિતની વસ્તુઓ પર 40 ટકાના ભાવવધારાથી વાલીઓનું બજેટ ખોરવાયું
કોરાનોકાળના 2 વર્ષ બાદ નવું શૈક્ષણિક સત્ર સોમવાર,13 જૂનથી શરૂ થાય તે પૂર્વે વાલીઓ યુનિફોર્મ, પુસ્તકો સહિતની વસ્તુઓ ખરીદવા માટે દોટ લગાવી રહ્યા છે.સ્કૂલ ફીના વધારા બાદ યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં 35થી 40 ટકાના વધારો, સ્કૂલ વેનમાં ભાડાં વધારવાની સુચના આપતા આગામી 13મી જુનથી વાલીઓના બજેટ પર ગંભીર અસર પડશે. ત્યાં જ વાલીઓએ ભાવ વધારો કોરોના કાળમાં થયેલી નુકસાની સરભર કરવાનો કિમીયો હોવાની રાવ નાંખી હતી.
કોરોનાકાળમાં સ્કૂલો બંધ હોવાથી ઘણાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ સહિતની વસ્તુઓ ખરીદી ન હતી. ઓફલાઇન થયેલી સ્કુલોમાં પણ યુનિફોર્મ પહેરવું મરજીયાત રખાતા વાલીઓએ ખર્ચ ટાળ્યો હતો.હવે 13મી જૂનથી બાળકોને સ્કૂલ મોકલવા માટે વાલીઓએ 2 વર્ષ બાદ યુનિફોર્મ સહિતની વસ્તુઓ ખરીદી રહ્યાં છે.
યુનિફોર્મના 1300 થઇ ગયા
જે ફૂલ યુનિફોર્મ 2 વર્ષ પહેલાં 900માં મળતા હતાં તેના હવે 1300 રૂપિયા સુધીના ભાવ વસુલાય રહ્યાં છે. શહેરના અગ્રણી યુનિફોર્મ વિક્રેતાના જણાવ્યા મુજબ , કાપડ અને ટેલરિંગના દરો વધતાં યુનિફોર્મના ભાવ 2020ની તુલનાએ 40 ટકા વધી ગયા છે.
સ્ટેશનરીમાં 30 ટકાનો ભાવ વધારો
રાજમાર્ગ સ્થિત સ્ટેશનરી દુકાનદારે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર કાગળની આયાત પર પડતા પુસ્તકોના ભાવમાં આ વર્ષે 30 ટકા વધારો નોંધાયો છે.
સ્કૂલ શૂઝના ભાવ વધ્યા
પ્લાસ્ટિક રો મટીરિયલના ઊંચા ભાવ અને જીએસટી દરમાં વધારો થતાં સ્કૂલ શૂઝના ભાવમાં પણ 30થી 35 ટકાનો વધારો થયો છે. ભાગળના શૂઝ વેપારીએ કહ્યું કે, પેટ્રો પેદાશોમાં ભાવ વધારાની અસર શૂઝ વેચાણ પર વર્તાઇ છે.
સ્કૂલ વેનના ભાડાંમાં 300નો વધારો
સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ વાલીઓને વધુ એક ઝાટકો આપતા મેસેજ તેમના બાળકોના સ્કૂલ વેન ચાલકોએ મોકલ્યાં છે. જેમાં ડ્રાઇવરોએ CNGના ભાવ વધારાનો કારણ રજૂ કરી પ્રત્યેક બાળકના ભાડાંમાં રૂપિયા 300ના વધારો માંગ્યો હતો.
યુનિફોર્મ માટે ઘરખર્ચ પર કાપ
કોરોના બાદ દરેક પ્રકારે મોંઘવારી વધી છે. અન્ય ખર્ચમાં બાધ મુકીને પણ બાળકોનું ભણતર ન બગડે તેની મજબુરીએ મોંઘી ચીજવસ્તુઓ ખરીદવી પડી છે. - વાલી
લોકો વધુ ખરીદી ટાળી રહ્યાં છે
મોંઘવારી બેકાબુ છે. જુના સ્ટોકને જુના ભાવમાં વેચી રહ્યા છીએ. લોકો પહેલાની જેમ વધુ ખરીદી ટાળી રહ્યાં હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. - યુનિફોર્મ વિક્રેતા
0 Response to "મોંઘવારીની અસર યુનિફોર્મ સહિતની વસ્તુઓ પર 40 ટકાના ભાવવધારાથી વાલીઓનું બજેટ ખોરવાયું"
ટિપ્પણી પોસ્ટ કરો