-->
અમદાવાદ નજીક વાંચ ગામના 65 મકાનો જમીનદોસ્ત કરાયાં, વર્ષોથી વસવાટ કરતાં રહીશો બેઘર બન્યાં

અમદાવાદ નજીક વાંચ ગામના 65 મકાનો જમીનદોસ્ત કરાયાં, વર્ષોથી વસવાટ કરતાં રહીશો બેઘર બન્યાં

 

અમદાવાદ નજીક વાંચ ગામના 65 મકાનો જમીનદોસ્ત કરાયાં, વર્ષોથી વસવાટ કરતાં રહીશો બેઘર બન્યાં





- ગ્રામજનોના મકાનો સત્તાવાળાઓએ તોડી પડાતાં ભારે હોબાળો

- સત્તાધીશોએ કહ્યું- હાઇકોર્ટના આદેશથી મકાનો તોડી પાડવામાં આવ્યા છે

- નિરાધાર હાલતમાં મુકાયેલાં સ્થાનિક રહીશોની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વિનંતી



અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના વાંચ ગામની સીમમાં આવેલાં 65 જેટલાં મકાનો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. હજુ બીજા 10 જેટલાં મકાનો તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘરવિહોણાં બનેલાં 60 પરિવાર રોડ પર આવી ગયા છે. નિરાધાર હાલતમાં મુકાયેલાં આ પરિવારો છત વગર ખુલ્લાં આકાશ નીચે હાલ ખુલ્લી જગ્યામાં રહે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે તેઓ વર્ષોથી આ જગ્યા પર પરિવાર સાથે રહેતાં હતા. તેઓ લાઇટ,પાણી, તેમ જ સરકારી સહાયવાળા ગેસ સિલિન્ડર પણ ધરાવતાં હતા. તેમની પાસે અહીંયા વસવાટ કરતાં હોવાના મતદાન કાર્ડથી લઇને આધાર કાર્ડ, રેશન કાર્ડ પણ છે. ત્યાં સુધી કે તેઓ ગ્રામ પંચાયતનો વેરો પણ ભરતા હતા. બીજી તરફ સત્તાધીશો તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેમણે ગૌચરની જમીન પર દબાણ કર્યું હોવાથી હાઇકોર્ટના આદેશથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક રહીશોએ સરકાર સહિત સત્તાધીશો સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વિનંતી કરી છે.

અમદાવાદ જિલ્લાના હાથીજણથી થોડેક દૂર હાઇવેને અડોઅડ વાંચ ગામ આવેલું છે. આ ગામની સીમમાં 100થી વધુ પરિવારો રહે છે. વર્ષોથી વસવાટ કરતાં આ ગ્રામજનોના મકાનો સત્તાવાળાઓએ તોડી પાડવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં દિવ્ય ભાસ્કર રૂબરૂમાં તપાસ કરવા ગામમાં પહોંચ્યું હતું. ત્યારે મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના કારણે ગામની સીમમાં ચોતરફ કાટમાળ ખડકાયેલો હતો અને સમગ્ર વિસ્તાર ભેંકાર ભાસતો હતો. તો કેટલાંક મકાનો પર હથોડાં પડી રહ્યાં હોવાના અવાજો સંભળાઇ રહ્યાં હતા. સૂમસામ લાગતા આ વિસ્તારના રહીશો મકાનના કાટમાળ વચ્ચે પોતાના પરિવાર અને ઘરવખરી સાથે બેઠેલાં જોવા મળ્યાં હતા. ત્યારબાદ દિવ્ય ભાસ્કરે સ્થાનિક રહીશોથી માંડીને સરપંચ તેમ જ તલાટી કમ મંત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હાઇકોર્ટના આદેશથી આ પગલું ભરવામાં આવ્યું હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો, જેથી આ અંગે હાઇકોર્ટમાં પીટીશન કરનારા વ્યક્તિઓને પણ રૂબરૂમાં મળ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે દબાણો દૂર કરવા માટે સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત નહીં મળવાના કારણે તોડવામાં આવ્યા નહોતા. આથી જ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશના પગલે આ ગેરકાયદે મકાનો તોડવામાં આવ્યા છે.

વાંચ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉષાબેન પટેલે જણાવ્યું  હતું કે હાઇકોર્ટના આદેશ અને અમદાવાદ જિલ્લા કલેકટરની સૂચનાથી ગઇ તા.24, 25 અને 26મી મેના રોજ 60 જેટલાં મકાનો તોડવામાં આવ્યા હતાં. આ મકાનોમાં રહેતાં લોકોને 4 મેના રોજ નોટિસ આપવામાં આવી હતી. માપણીનું કામ બધાંની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તેમને સમય પણ આપવામાં આવ્યો હતો. તે ચાર મહિનાથી સરપંચ પદે હોવાથી વધુ કંઈ જાણતા નથી. તલાટી સાહેબ તમને વધુ જણાવશે. વૈકલ્પિક વ્યવસ્થા અંગે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું.




વાંચ ગામની મુલાકાત તથા સ્થાનિક રહીશોથી માંડીને સ્થાનિક સત્તાધીશો સાથે થયેલી વાતચીત તેમ જ ગ્રામજનોમાં ચાલતી ચર્ચામાંથી જાણવા મળેલી વિગતો અનુસાર વાંચ ગામની સીમમાં ભીમરાવ નગરનો ટેકરો હતો. આ ટેકરા પર લોકો વર્ષોથી વસવાટ કરતાં હતા. પાછળથી આ ટેકરાનુ નામ બદલીને જોજીનો ટેકરો રાખવામાં આવતાં ગામમાં અંદરોઅંદર મતભેદો થયા હતા. પાછળથી બંને પક્ષે સમાધાન સધાયું હતું, પરંતુ કોઇક કારણસર આ સમાધાન તૂટી જતાં મામલો વણસ્યો હતો. પરિણામ સ્વરુપે ગૌચરની જમીન પરના દબાણો હટાવવા માટેની રજૂઆતો થઇ હતી, પરંતુ સત્તાધીશો તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવતાં આખોય મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.



0 Response to "અમદાવાદ નજીક વાંચ ગામના 65 મકાનો જમીનદોસ્ત કરાયાં, વર્ષોથી વસવાટ કરતાં રહીશો બેઘર બન્યાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel