બેદરકારી પડશે ભારે બંધ સ્ટ્રીટલાઇટો, ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં જોખમી પુરવાર થવાની ભીતિ
બેદરકારી પડશે ભારે બંધ સ્ટ્રીટલાઇટો, ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં જોખમી પુરવાર થવાની ભીતિ; તંત્ર બેધ્યાન
પૂર્વ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ પડી છે. રાત્રિ દરમિયાન લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, વરસાદમાં આ સમસ્યા વધવાની સાથે લોકો માટે જોખમી પણ પુરવાર થવાની સંભાવના રહેલી છે. વરસાદ પડે તે પહેલા બંધ હાલતમાં હોય તેવી તમામ સ્ટ્રીટલાઇટો ચાલુ કરી દેવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. ખુલ્લા વીજ વાયરો, ખુલ્લી ડીપીઓના મરામતની કામગીરી કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે.
હાટકેશ્વર, સીટીએમ, રામોલ રોડ પર સ્ટ્રીટલાઇટો બંધ પડી છે. નિકોલ વોર્ડમાં ઓઢવ ઓવરબ્રિજ પછી શરૂ થતા નેશનલ હાઇવે પર સિંગરવા પાસેની તમામ સ્ટ્રીટલાઇટો બંધ છે. નરોડાથી નારોલના પટ્ટામાં મુખ્ય રોડ થી માંડીને ઓવરબ્રિજ, સર્વિસ રોડ, આંતરિક રોડ પર મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી રહી છે. સારંગપુર બ્રિજ પર વારંવાર લાઇટો બંધ રહેતી હોય છે.
મ્યુનિ.તંત્ર દ્વારા આવી બંધ સ્ટ્રીટલાઇટોને પૂનઃ શરૂ કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. ચોમાસામાં રાત્રે વરસાદ પડતો હોય ,રોડ પર પાણી ભરાયા હોય , ખૂલ્લી ગટરો હોય, તૂટેલા રોડ હોય તેવામાં અંધારામાં અકસ્માત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. રોડ લોકો માટે જોખમી બની જતા હોય છે. સાચવી સાચવીને પગલા ભરવા પડે તેવી સ્થિતિ હોય છે.
સ્ટ્રીટલાઇટોની મરામતની કામગીરી પણ કરવામાં આવે તે જરૂરી છે. અનેક વીજ થાંભલાઓના ઇલેક્ટ્રીક વાયરો ખુલ્લા પડયા છે. આવા ખૂલ્લા વાયરોના કારણે ભૂતકાળમાં વીજ કરંટ લાગવાથી નિર્દોષ રાહદારીના મોત થયાના પણ અનેક કિસ્સાઓ છે. સિંગરવામાં ગત ચોમાસામાં આવા જ એક કિસ્સામાં નિર્દોષ યુવકનું મોત થઇ ગયું હોવાનું રહીશો જણાવી રહ્યા છે.
ગાય સહિતના પશુઓના મોત પણ વીજ કરંટથી થતા હોવાના કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે. મ્યુનિ.તંત્રના લાઇટ ખાતા દ્વારા શહેરીજનોના હિતમાં સ્ટ્રીટલાઇટોને લગતા કામોને ચોમાસા પહેલા પુરા કરી દેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

0 Response to "બેદરકારી પડશે ભારે બંધ સ્ટ્રીટલાઇટો, ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં જોખમી પુરવાર થવાની ભીતિ"
ટિપ્પણી પોસ્ટ કરો