વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા, ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા, ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી ગયા છે. 17મી જૂનની સાંજે તેઓ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. સંભવતઃ આજે રાત્રે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે જશે. જ્યારે આવતીકાલે સવારે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરશે. ત્યારે બાદ વડોદરાથી વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકાર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 18ના રોજ વડોદરા સહિત ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપવા અને ગુજરાત ગૌરવ અભિયાનની બીજી કડીમાં સહભાગી થવા વડોદરા આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે શહેરના કેટલાક રસ્તાઓ બંધ હોવાથી વડોદરા શહેર પોલીસે સામાન્ય પ્રજાને તકલીફ ન પડે તે માટે સુચારૂ આયોજન કર્યું છે.
કાર્યક્રમ સંદર્ભે અને પ્રધાનમંત્રીના રૂટના કારણે શહેરના 10 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેની સામે 12થી વધારે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા છે, જેથી સામાન્ય પ્રજા કોઇ પણ પ્રકાની મુશ્કેલી વગર સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. પ્રવેશબંધીના પોઇન્ટ અને વૈકલ્પિક રૂટ અંગે વડોદરા શહેર પોલીસે જાહેરાત કરી છે. જો કે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સભા સ્થળે જતા લોકો માટે શહેરના તમામ રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેમના માટે કોઇ પ્રવેશબંધી પોઇન્ટ નથી.
પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે સભા સ્થળે 5 લાખથી વધારે માનવ મહેરામણ ઉમટી શકે છે, ત્યારે વડોદરા શહેર પોલીસે સટીક અને સુચારૂ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવી છે. જો પાર્કિંગ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો, સભા સ્થળની નજીક 1 VVIP પાર્કિંગ તથા 1 VIP પાર્કિંગની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત પાર્કિંગ પ્લોટ નંબર 18 અને 20 પણ VIP કાર પાર્કિંગ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. 3થી 10 નંબર અને 21 નંબરનું પાર્કિંગ પ્લોટ વડોદરા શહેરની પ્રજા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે, જ્યાં વડોદરા શહેરની કાર, બાઇક અને સિટી બસ પાર્ક કરી શકાશે. જ્યારે 13, 13 અને 14 નંબરના પાર્કિંગ પ્લોટ વડોદરા ગ્રામ્ય, 11 નંબરનું પાર્કિંગ પ્લોટ છોટા ઉદેપુર, 15 નંબરનું પાર્કિંગ પ્લોટ ખેડા, 19 નંબરનું પાર્કિંગ પ્લોટ પંચમહાલ તેમજ 16, 17 નંબરના પાર્કિંગ પ્લોટ આણંદના લોકો માટે રિઝર્વ કરવામાં આવ્યા છે.

0 Response to "વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા, ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે"
ટિપ્પણી પોસ્ટ કરો