બીમારીના દલાલ રાઇમાં સિન્થેટિક કલર અને મરીમાં વાર્નિશ નાખી નફાખોરી માટે લોકઆરોગ્ય સાથે રમત
બીમારીના દલાલરાઇમાં સિન્થેટિક કલર અને મરીમાં વાર્નિશ નાખી નફાખોરી માટે લોકઆરોગ્ય સાથે રમત
રાજકોટમાં નફાખોરી માટે ચોક્કસ તત્ત્વો સક્રિય થઈને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે આવા લોકોને ‘વેપારી’ કહેવા યોગ્ય નથી તેઓ ફક્ત ને ફક્ત બીમારીના દલાલ છે. રાજકોટ શહેરમાં પ્રથમ વખત એક સાથે બે નમૂના અનસેફ જાહેર થયા છે એટલે કે આરોગ્યને હાનિકારક છે અને તે બંને મસાલા છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે 23 માર્ચે જય ખોડિયાર મસાલા માર્કેટમાં મરી યમુનાજી મસાલા ભંડારના નામે મરી-મસાલા વેચતા ચંદ્રકાંત બાબુલાલ પાંધી પાસેથી કાળા મરીના નમૂના લેવાયા હતા જેનો રિપોર્ટ આવતા તેમાં મરીને ચમક આપવા માટે વાર્નિસનો ઉપયોગ થયાનું ખૂલતા અનસેફ જાહેર કરાયો છે. આ તો માત્ર રિટેલ વેચાણ હતું જ્યાં મરીમાં વાર્નિસ ચડાવ્યું ત્યાં તો હજારો ટનના સોદા થઈ ગયા હશે તેને હવે પકડશે.
આવી જ એક બાતમી સાથે 1 એપ્રિલે મનપાની ફૂડ શાખા માર્કેટિંગ યાર્ડમાં ગઈ હતી અને ત્યાં રાઘવ ઈન્ડસ્ટ્રી નામની પેઢીમાં રાઇનો જથ્થો મળ્યો હતો વધુ તપાસ કરતા ત્યાંથી એક મશીન મળ્યું હતું જેમાં રાઇ નાખતા ઓટોમેટિક કલરવાળા પાણીમાં ડૂબાડી અને સૂકવી દેતું હતું આ કારણે તમામ 1.5 ટન જથ્થો સીઝ કરાયો હતો અને સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલમાં સિન્થેટિક કલર નીકળતા અનસેફ જાહેર કરાયા છે.
કાર્સેનોજેનિક હોવાથી કેન્સર નોતરી શકે
ફૂડ શાખાના ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું કે, કાયદાની ભાષામાં અનસેફ એટલે એવો પદાર્થ કે જે શરીરના આરોગ્યને હાનિ પહોંચાડે છે. આ જ કારણે અનસેફ થયેલા કિસ્સામાં એજ્યુકેટિંગ ઓફિસરને બદલે સીધી કોર્ટમાં ફરિયાદ કરાય છે જેમાં જેલવાસ અને દંડની જોગવાઈ છે. જે બે નમૂના અનસેફ થયા છે તેમાં સિન્થેટિક કલર અને મિનરલ ઓઇલ કે જે વાર્નિસ જેવું હોય છે તે મળ્યું છે આ કારણે પાચનતંત્રની બીમારીથી માંડી કાર્સેનોજેનિક હોવાથી કેન્સર થઈ શકે.
ભેળસેળિયા કેમિકલ ધીમાં ઝેર સમાન
મરી અને રાઇમાં મળેલા કેમિકલ આ બધા જ ધીમાં ઝેર સમાન હોય છે જે દર્દીઓની તાસીર મુજબ વખત જતા ગંભીર રોગ નોતરે છે. કોઇને પાચનતંત્ર તો કોઇને લીવર અને કિડનીની ગંભીર સમસ્યા થઈ શકે છે. આ કેમિકલ કાર્સેનોજેનિક હોવાથી કેન્સર પણ નોતરી શકે છે. ફૂડ એડલ્ટ્રેશન અત્યારે ખૂબ મોટી સમસ્યા છે જે લોકોનું આરોગ્ય જોખમમાં મૂકી રહ્યું છે.
0 Response to "બીમારીના દલાલ રાઇમાં સિન્થેટિક કલર અને મરીમાં વાર્નિશ નાખી નફાખોરી માટે લોકઆરોગ્ય સાથે રમત"
ટિપ્પણી પોસ્ટ કરો