બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વડોદરામાં આવક અને જાતિના દાખલા કઢાવવા વિદ્યાર્થીઓની પડાપડી
બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વડોદરામાં આવક અને જાતિના દાખલા કઢાવવા વિદ્યાર્થીઓની પડાપડી
ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ દ્વારા નવા એડમિશન માટે આવકનો દાખલો અને જાતિનો દાખલો કાઢવા માટે કુબેર ભવન સ્થિત તલાટી ઓફિસમાં ભારે ધસારો શરૂ થયો છે, ત્યારે સ્ટાફની અછત અને અવ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ નવા એડમિશન માટે વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો એકત્ર કરવાના હોય છે. જેમાં આવકનો દાખલો તેમજ જાતિનું પ્રમાણપત્ર મેળવવા વિસ્તારની તલાટી ઓફિસનો સંપર્ક કરવાનો હોય છે. જ્યારે શહેરના કુબેર ભવનમાં પહેલા માળે આવેલી વડોદરા કસ્બા તલાટી ઓફિસે પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોની ભારે પડાપડી જોવા મળી રહી છે.
વડોદરા કસ્બા તેમજ નાગરવાડા તલાટી એક જ ઓફિસમાં બેસતા હોય બંને વિસ્તારમાંથી આવકના અને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે ભારે ભીડ જામે છે, જ્યારે તલાટી ઓફિસમાં સ્ટાફની અછતને કારણે કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. વડોદરા કસ્બાની વાત કરીએ તો પાંચ કર્મચારીઓની જગ્યા માંથી ફક્ત ત્રણ કર્મચારીઓ ફરજ પર હાજર છે. જ્યારે નાગરવાડા તલાટીના સ્થાને કામ કરતા કર્મચારીઓને વડોદરા પૂર્વ વિસ્તાર મામલતદાર કચેરીમાં કામ અર્થે બોલાવી લીધા હોય ખૂબ જ ઓછા મહેકમના માથે વધુ પડતી જવાબદારી આવી ગઈ છે વારંવારની રજૂઆતો છતાં ય તલાટી ઓફિસમાં પુરતુ મહેકમ પૂરું પાડવામાં આવતું નથી.
એક તરફ રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમો યોજીને સરકારને નાગરિકોના દ્વારે મોકલે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જરૂરી સ્ટાફની અછતને કારણે નાગરિકોને ધરમના ધક્કા ખાવા પડે છે. હાલ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા સમયે વધુ પડતા સ્ટાફની જરૂર હોય ત્યારે નિયત સ્ટાફની પણ હાજરી નથી, જેને કારણે અરજદારો ભારે પડાપડી કરી રહ્યા છે. સમયસર પ્રમાણપત્ર નહીં મળવાને કારણે વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયામાં પણ તેની અસર થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
0 Response to "બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વડોદરામાં આવક અને જાતિના દાખલા કઢાવવા વિદ્યાર્થીઓની પડાપડી"
ટિપ્પણી પોસ્ટ કરો