સુરતના પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ વસુધાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો, CCTVથી સતત મોનિટરિંગ
સુરતના પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ વસુધાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો, CCTVથી સતત મોનિટરિંગ
સુરતના સરથાના પ્રાણીસંગ્રહાલયમાં નવા મહેમાનોનું આગમન થયું છે. ગત 30 જૂનના રોજ સિહણ વસુધાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. પશુ તબીબી અધિકારી, ઇન્ચાર્જ ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા સિંહણ વસુધા અને તેના ત્રણ બચ્ચાઓનું CCTV કેમેરાની મદદથી ઘનિષ્ઠ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સિંહણની દેખરેખ જ બચ્ચાઓનો જીવનકાળ નક્કી કરશે
વસુધા સિંહણને નર આર્ય સાથે 7 નવેમ્બર 2020ના રોજ જંગલ સફારી, નયા રાયપુર ઝુમાંથી નેચરપાર્ક ખાતેથી મેળવવામાં આવી હતી. આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ પ્રક્રિયા 8 કલાક સુધી ચાલી હતી. જેનું નેચરપાર્કના અધિકારીઓ-કર્મચારીઓએ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઝુના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલ બચ્ચાઓ પ્રતિ સિંહણ કઈ રીતનું વર્તન અપનાવે છે તેનું સતત દેખરેખ રાખવામાં આવી રહ્યું છે. આ વસુધા સિંહણની દેખરેખ જ બચ્ચાઓના ભવિષ્યની તંદુરસ્તી અને જીવનકાળ નક્કી કરશે. હાલ તમામ બચ્ચાને માદા સહિત CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. તમામ બચ્ચાઓનો વિકાસ સામાન્ય હોવાનું જણાય છે.
મહિના બાદ જાહેર જનતા જોઈ શકશે
નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે સિંહણ વસુધાએ 14 દિવસ પહેલા જે ત્રણ બચ્ચાને જન્મ આપ્યા છે તે હાલ તંદુરસ્ત જણાઈ રહ્યા છે. તમામ બચ્ચાઓનું ત્રણ માસે વેક્સીનેશન થયા બાદ 20 દિવસ માટેનું બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
વસુધાએ અગાઉ 4 બચ્ચાને જન્મ આપ્યો ને એક જ બચ્ચુ બચ્યું
વધુમાં જણાવ્યું હતું કે, વસુધા અગાઉ પણ ચાર બચ્ચાને જન્મ આપ્યા હતા જેમાં બે બચ્ચા મૃત હતા. અન્ય એક બચ્ચું દૂધ ફીડીંગ લેવામાં સમય લેતા તેનું પણ મોત થયું હતું. તેમજ એક બચ્ચું બચી શક્યું હતું. આ વખતે અમે ખૂબ કાળજીપૂર્વક દરેક મૂવમેન્ટ પર નજર રાખીને બેઠા હતાં. તે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જેનાથી સમગ્ર સુરત નેચરપાર્ક અને ટીમ તેમજ સુરત મહાનગરપાલિકામાં નવા મહેમાનોને આવકારતા આનંદ છવાયો છે.

0 Response to "સુરતના પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ વસુધાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો, CCTVથી સતત મોનિટરિંગ"
ટિપ્પણી પોસ્ટ કરો