રોડ પર પાણીની રેલમછેલ વડોદરામાં PM મોદી લોકાર્પણ કરે એ પહેલાં 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટની લાઈનમાં ભંગાણ, તંત્ર દોડતું થયું
રોડ પર પાણીની રેલમછેલવડોદરામાં PM મોદી લોકાર્પણ કરે એ પહેલાં 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટની લાઈનમાં ભંગાણ, તંત્ર દોડતું થયું
વડોદરા શહેર નજીક સિંધરોટ ગામ પાસે મહી નદીથી વડોદરા સુધી નાખવામાં આવેલી 150 MLD પાણીની લાઈનમાં એમ.જી.વી.સી.એલ.ની કેબલ નાખવાની કામગીરી દરમિયાન ભંગાણ થતાં રોડ ઉપર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. નોંધનીય છે કે, રૂપિયા 176 કરોડના આ સિંધરોટ પાણી પ્રોજેક્ટનું તા. 18 જૂનના રોજ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે. જોકે, તંત્ર દ્વારા આખી રાત કામગીરી કરી લાઇન રીપેર કરી દેવામાં આવી છે.
આવતીકાલે વડાપ્રધાન મોદી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, રૂપિયા 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવતી પાણીની 200 MM લાઇનના એરવાલની લાઇનમાં એમ.જી.વી.સી.એલ. દ્વારા કેબલ નાખવા માટે ડ્રિલીંગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું. જે મોડી રાત્રે જ રીપેર કરી લાઇન પૂર્વવત કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે તા. 18 જૂનના રોજ લોકાર્પણ થવાનું હતું. તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનું આવતી કાલ તા. 18 જૂનના રોજ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતેથી વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. જોકે, લાઇનનું સમારકામ કરી દેવામાં આવ્યું છે.
સંકલન ન હોવાના કારણે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું
ઉલ્લેખનીય બાબત એ છે કે, જ્યારે વડાપ્રધાન સિંધરોટ પાણી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરનાર હોય, ત્યારે એમ.જી.વી.સી.એલ. દ્વારા જ્યારે કેબલની કામગીરી ચાલતી હતી. ત્યારે કોર્પોરેશનના ઇજનેરો જો હાજર હોત તો કદાચ આ સ્થિતી સર્જાય ન હોત. પરંતુ સંકલન ન હોવાના કારણે સિંધરોટ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરે તે પહેલાં 200 MM પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.
રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો
મળેલી માહિતી મુજબ મોડી રાત્રે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ગોઠણસમા પાણી ભરાઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદ પડ્યો હોય તે રીતે રોડ ઉપર પાણી ભરાઇ જતા અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા અને આ રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.
પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતાઓ
ભારે વરસાદ પડ્યો હોય અને પાણી ભરાઇ જાય તેમ રોડ ઉપર પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કારચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોડી સાંજે ફાટેલી મુખ્ય પાણીની પાઈપલાઈન આ બનાવની જાણ કોર્પોરેશનના સંબંધિત વિભાગને થતાં તંત્ર દોડતું થયું હતું. પાણીની આ લાઈન ફાટવાના કારણે પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

0 Response to "રોડ પર પાણીની રેલમછેલ વડોદરામાં PM મોદી લોકાર્પણ કરે એ પહેલાં 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટની લાઈનમાં ભંગાણ, તંત્ર દોડતું થયું"
ટિપ્પણી પોસ્ટ કરો